મુખ્યમંત્રીને પત્ર લખી પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માંગ કરી:ડીઝલની અછતથી ખનિજ-ઔદ્યોગિક હબ ઠપ્પ થવા પર, રોજગારીને સંકટ
વિશ્વના સૌથી મોટા ખનિજ ઉત્પાદન હબ પૈકીના એક એવા કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી ડીઝલની ગંભીર અછતે ઉદ્યોગ જગતની ઊંઘ હરામ કરી દીધી છે. આ વિકટ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ભુજ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર દ્વારા વિગતવાર રજૂઆત કરવામાં આવી છે અને પ્રશ્નના ત્વરિત નિરાકરણ માટે માંગણી કરી છે. ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલ ગોર દ્વારા કરાયેલી રજૂઆત મુજબ, કચ્છ જિલ્લો દેશના મહત્વપૂર્ણ ખનિજ ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર તરીકે ઓળખાય છે. અહીં બેન્ટોનાઈટ, ચાઈના ક્લે, લિગ્નાઇટ, લાઈમસ્ટોન સહિત 20 થી 25 જેટલા વિવિધ ખનિજોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન અને નિકાસ થાય છે. પરંતુ, હાલ સર્જાયેલી ડીઝલ અછતના કારણે આ સમગ્ર ખનિજ અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ગંભીર અસર પડી રહી છે. કચ્છમાં કાર્યરત ખનિજ આધારિત ઉદ્યોગો સંપૂર્ણપણે ડીઝલ પર નિર્ભર છે. ખાણકામ માટે વપરાતા એક્સકેવેટર, લોડર, ડેમ્પર, ટ્રક અને જનરેટર જેવા ભારે મશીનો દૈનિક હજારો લિટર ડીઝલથી ચાલે છે. ઇંધણના અભાવે અનેક ઉદ્યોગોમાં ઉત્પાદન ધીમું પડી ગયું છે. સપ્લાય ચેઇન ખોરવાઈ: બંદરો અને પરિવહન ઠપ્પ ડીઝલની અછતની સીધી અસર માલ સપ્લાય તેમજ નિકાસ ઉપર પડી રહી છે. લોડિંગ, કાર્ગો હેન્ડલિંગ, ટ્રાન્સપોર્ટેશન અને બંદરો સુધી માલ પહોંચાડવાની કામગીરી ખોરવાઈ છે. હજારો ટ્રકો અને પરિવહન વાહનોને સમયસર ઇંધણ ન મળતા સમગ્ર સપ્લાય ચેઇન અસ્તવ્યસ્ત બની ગઈ છે. કચ્છના બંદરો, ટ્રાન્સપોર્ટ, અને ખાણકામ પ્રવૃત્તિઓ અવિરત ડીઝલ ઉપલબ્ધતા ઉપર આધારિત છે. યુદ્ધની પરિસ્થિતિમાં હોર્મુઝનો રસ્તો બંધ થતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલના ભાવ વધારીને રૂા. 137થી રૂા. 145 સુધી કરી દીધા છે. આ અછત અને મોંઘા ઇંધણના કારણે ખનિજોના ઉત્પાદન અને નિકાસ પર ગંભીર અસર પડી રહી છે, જેનાથી વિદેશી હૂંડિયામણ પર માઠી અસર થવાની શક્યતા છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો દેશની નિકાસ ક્ષમતા ઘટશે અને આયાત ઉપર નિર્ભરતા વધશે, જે પ્રધાનમંત્રીના આયાત ઘટાડવાના આહ્વાનથી વિપરીત પરિણામ લાવશે.
Read Original Article →