નંબરની ભૂલે વગર વાંકે દયાપરથી ભુજ ધક્કો ખાવાનો વારો આવ્યો:પ્રાગપર પોલીસે સ્કોર્પિયો ડિટેઈન કરી, પણ RTOએ મેમો દયાપરની ‘ફ્રૉન્ક્સ’ કાર ચાલકને મોકલાયો!

Gujarat6/10/2026, 12:00:00 AM
નંબરની ભૂલે વગર વાંકે દયાપરથી ભુજ ધક્કો ખાવાનો વારો આવ્યો:પ્રાગપર પોલીસે સ્કોર્પિયો ડિટેઈન કરી, પણ RTOએ મેમો દયાપરની ‘ફ્રૉન્ક્સ’ કાર ચાલકને મોકલાયો!
ગત 6 જૂનના રોજ મુન્દ્રાના પ્રાગપર પોલીસ મથકના સ્ટાફ દ્વારા એક શંકાસ્પદ બ્લેક કલરની સ્કોર્પિયો કારને રોકીને તપાસ કરવામાં આવી હતી. કાગળોની ચકાસણી દરમિયાન ચાલક પાસેથી કોઈ પણ કાયદેસરના રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ્સ કે ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યા નહોતા. જેના કારણે પ્રાગપર પોલીસે વાહનને ડિટેઈન કરીને RTOનો મેમો ફટકાર્યો હતો. જો કે, આ સમગ્ર પ્રક્રિયા બાદ RTO વિભાગના ડિજિટલ ધાંધિયા અને ઓપરેટરની બેદરકારી સામે આવી છે. ઓનલાઈન એન્ટ્રી કરતી વખતે ગાડીના નંબરમાં થયેલી ભૂલના કારણે જે દંડ સ્કોર્પિયો ચાલકને થવો જોઈતો હતો, તે ઓનલાઇન મેમો છેક 100 કિલોમીટર દૂર દયાપરમાં રહેતા અને મારુતિ સુઝુકીની ‘ફ્રૉન્ક્સ’ કાર ધરાવતા નરેન્દ્ર વિનયભાઈ વાસુકિયાને રજિસ્ટર્ડ નંબર પર મોકલી દેવામાં આવ્યો છે. દયાપરમાં ઘર આંગણે ગાડી ઊભી હોવા છતાં અચાનક મોબાઈલ પર ઈ-મેમોનો મેસેજ આવતા જ નરેન્દ્રભાઈ એક ક્ષણ માટે ચોંકી ઉઠ્યા હતા. તેમણે તુરંત જ RTOની વેબસાઈટ પર ચકાસણી કરતાં છબરડો ખુલ્લો પડ્યો હતો. ઓનલાઈન અપલોડ કરાયેલા મેમોમાં પ્રાગપર પોલીસની કાગળની નકલ જોડાણ તરીકે હતી, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે જે વાહન ડિટેઈન થયું છે તેનો નંબર અને માલિકની વિગતો નરેન્દ્રભાઈની કારથી તદ્દન અલગ હતી. નરેન્દ્રભાઈની કારનો સાચો નંબર GJ 12 FH 1390 છે, જ્યારે ઓનલાઈન ભૂલથી જે મેમો મોકલાયો તેમાં નંબર GJ 12 FH 1290 ટાઈપ થઈ ગયો હતો, જે વાસ્તવમાં પકડાયેલી સ્કોર્પિયો કારનો નંબર છે. તંત્રની ભૂલ અને જનતાને આર્થિક નુકસાનીનો ડામ RTOની આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ નરેન્દ્રભાઈએ જ્યારે હેલ્પલાઈન કે કસ્ટમર કેર પર સંપર્ક સાધ્યો, ત્યારે તેમને એક નવો કાયદાકીય કાગળિયો ઘસવાનો અથવા ઈ-મેઈલ કરીને અરજી આપવાની સલાહ આપવામાં આવી છે.. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે દયાપરથી ભુજ RTO કચેરી અંદાજિત 100 કિલોમીટર દૂર આવેલી છે. જો કોઈ પણ ભૂલ વગર સામાન્ય નાગરિકે આ પ્રક્રિયા માટે રૂબરૂ જવું પડે તો આજના સમયમાં 1500 થી 2000 રૂપિયાનો ઈંધણનો આર્થિક ખર્ચ થાય તેમજ આખો દિવસ બગડે તે અલગ. ડિજિટલ ઈન્ડિયાના યુગમાં તંત્રની સામાન્ય માનવીય ભૂલના કારણે નિર્દોષ લોકોને નાણાકીય અને માનસિક ત્રાસ વેઠવો પડી રહ્યો હોવાથી સ્થાનિક પ્રજામાં RTO વિરુદ્ધ ભારે ભયંકર આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.
Read Original Article →