અંધારી તેરસ:પ્રાંથળિયા આહિર સમાજમાં આજે લગ્નનો ધમધમાટ
ભુજ તાલુકાનો પાવરપટ્ટી વિસ્તાર વૈશાખ વદ અંધારી તેરસના આહિર સમાજના સમૂહ લગ્નોત્સવથી ધમધમી ઊઠશે. જેમાં સુમરાસર (શેખ) ગામમાં આહિર સમાજમાં આજે 45 યુગલોના લગ્ન પ્રસંગ યોજવામાં આવશે. તા.14/5/2026ને શુક્રવારે વૈશાખ વદ અંધારી તેરસના નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આહિર સમાજ દ્વારા 7મા સમૂહ લગ્નોત્સવ નિમિત્તે ગામની આહિર સમાજવાડી મધ્યે સમૂહમાં ભોજન સમારંભ આયોજિત કરવામાં આવ્યો છે. વડીલોની પરંપરા મુજબ દર વર્ષે અંધારી તેરસના રાત્રે ગામના ચોરે સૌ જ્ઞાતિજનો સાથે બેસે છે અને વર પક્ષ દ્વારા યથાશક્તિ દાન નોંધાવવામાં આવે છે. જે દાન ગાયોના લાભેથે ગૌશાળાના ચારા માટે વાપરવામાં આવે છે. સમૂહ લગ્નોત્સવના આયોજનને સફળ બનાવવા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ચાડ હરી કરમણ ભોજાણી, મંત્રી કેરાસિયા નરસી ધના સહિત ગામના સૌ આબાલ વૃદ્ધ પ્રામાણિક પ્રયત્ન કરતા હોય છે. આ વર્ષે કન્યા પક્ષના યજમાનો વિરમ કરશન તેમજ ચાડ વાલજી હમીર પટેલ દ્વારા ગૌશાળામાં યથાશક્તિ દાન અપાયું છે. સુમરાસર (શેખ) ગામમાં આજે લગ્નોત્સવ : 45 યુગલો પ્રભુતામાં પગલા પાડશે કચ્છના પ્રાંથળિયા આહિર સમાજમાં આખા વર્ષ દરમિયાન માત્ર વૈશાખ મહિનાની અંધારી તેરસના એક જ દિવસે લગ્ન લેવામાં આવે છે. જેમાં આજે કુલ 1132 વર-વધૂ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ પ્રભુતામાં પગલા માંડશે. પ્રાંથળીયા આહીર સમાજના ભુજ, અંજાર, ભચાઉ, રાપર અને નખત્રાણા તાલુકા વિસ્તારમાં આવતા આહિર સમાજના ગામોમાં શુક્રવારે દિવસભર લગ્નનો ધમધમાટ જોવા મળશે. પરંપરા મુજબ અંધારી તેરસના લગ્ન લેવાશે. જેમાં આ વર્ષે આહિર સમાજના વિવિધ ગામોમાંથી કુલ 1132 લગ્ન નક્કી થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત પહેરવેશમાં ગવાતા લગ્ન ગીતો વર્ષો જૂની પરંપરા છે જે આજે પણ અવિરત છે. વહેલી સવારથી જ ઢોલ અને શરણાઈના સૂરથી ગામડાઓ ગુંજી ઊઠશે અને મોડી રાત સુધી ઉત્સાહ જોવા મળશે.
Read Original Article →