ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3:20 કરોડથી વધુના કામો થયા, પણ સફાઇમાં અસંતોષ
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં વિકાસકાર્યો અને સ્થાનિક સમસ્યાઓ બંને નજરે ચડે છે. અંદાજે 25,000 જેટલી વસ્તી અને 12,000થી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં રામનગરી, જીઆઇડીસી વિસ્તાર, હંગામી આવાસ, ભૂતેશ્વર, મહેંદી કોલોની, હિના પાર્ક (ભાગ-2 અને 3), હિન્દુસ્તાન સોસાયટી, અનીશ પાર્ક, મેમણ કોલોની અને શિવરા મંડપ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મોટાભાગે લઘુપતિ અને દલિત વર્ગના લોકો વસવાટ કરે છે. સ્થાનિક રહેવાસીઓમાં કેટલાક મુદ્દાઓને લઈને અસંતોષ પણ જોવા મળે છે. ખાસ કરીને ગટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં હજુ સુધારા કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના ચારેય નગરસેવકો ચૂંટાયા હતા. પૂર્વ નગરસેવક કાસમ કુંભાર અને કિરણ ગોરીના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વોર્ડમાં અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યો હાથ ધરાયા છે. ખાસ કરીને અંજલિ નગર, રોયલ સિટી, ભક્તિનગર, ચાકી વાળી, બાપા દયાળુ નગર અને સંજય નગરી વિસ્તારોમાં આશરે 8 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ સિસ્ટમ બેસાડવામાં આવી છે. તે ઉપરાંત વિવિધ વિસ્તારોમાં સીસી રોડના કામો પણ કરવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. જાહેર ચોકોમાં ઇન્ટરલોક બ્લોક બેસાડવા માટે 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. ધારાસભ્ય કેશુભાઈની સહાયથી નગરપાલિકાએ 1.80 કરોડ રૂપિયાનું યોગદાન આપી 20 લાખ લિટર ક્ષમતાવાળો અંડરગ્રાઉન્ડ ટાંકો અને 10 લાખ લિટર ક્ષમતાવાળો ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવ્યા છે. સાથે સાથે 4 એમએલડી ક્ષમતાવાળો ફિલ્ટર પ્લાન્ટ પણ સ્થાપિત કરાયો છે, જેનાથી વોર્ડ નંબર 2 અને 3ના મળીને આશરે 45,000 લોકોને પાણી વિતરણમાં રાહત મળી છે. સમગ્ર શહેરની ગટર સમસ્યાનો નિકાલ આ વોર્ડમાં છે
ભુજના સીમતળ અને ગામતળની દરેક ગટર લાઇનનું અંતિમ એકઠા થવાનું સ્થળ વોર્ડ નં.3માં ભીડનાકાની બહાર તેમજ એરપોર્ટ રોડ પર છે. ધરતીકંપ બાદ નાખવામાં આવેલા પાઇપનો વ્યાસ વધારવામાં આવે અને આયોજન સાથે સમગ્ર ભુજની ગટર લાઇન જોડવામાં આવે તો કાયમી સમસ્યા હલ થાય. સ્થાનિકોનું કહેવું છે કે જો આ વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત થાય તો સમગ્ર શહેરની ગટર સમસ્યાનો નિકાલ શક્ય બની શકે. સાથે સાથે સફાઈ બાબતે પણ નગરપાલિકાની કામગીરી સંતોષજનક નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈનો અભાવ હોવાને કારણે રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ રીતે વિકાસકાર્યો અને બાકી રહેલી સમસ્યાઓ વચ્ચે વોર્ડ નંબર 3માં આ વખતે મતદારો શું નિર્ણય લે છે તે જોવાનું છે. વિસ્તાર : રામનગરી, ભૂતેશ્વર, જીઆઇડીસી હંગામી આવાસ, લખુરાઈ, મહેંદી કોલોની, હિના પાર્ક–2 અને 3, હિન્દુસ્તાન સોસાયટી, મેમણ કોલોની, શિવરા મંડપ, અલ મહેંદી કોલોની, અનિશ પાર્ક, દાદુપીર રોડની બીજી તરફ મતદારોની સંખ્યા
પુરુષ - 6244
સ્ત્રી - 6017
કુલ - 12,261
Read Original Article →