મુક્તજીવન સર્કલથી RTO સુધી એકસાથે બે ગતિ અવરોધક:જ્યાં જરૂર નથી ત્યાં બબ્બે સ્પીડ બ્રેકર, જ્યાં જોખમ છે ત્યાં એક પણ નહીં!

Gujarat6/10/2026, 12:00:00 AM
મુક્તજીવન સર્કલથી RTO સુધી એકસાથે બે ગતિ અવરોધક:જ્યાં જરૂર નથી ત્યાં બબ્બે સ્પીડ બ્રેકર, જ્યાં જોખમ છે ત્યાં એક પણ નહીં!
શહેરમાં છેલ્લા થોડા મહિનામાં માર્ગ સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે, પરંતુ સ્પીડ બ્રેકર લગાવવાની પદ્ધતિ અંગે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં જ્યાં પહેલેથી જ ડામરનો બમ્પ હોય ત્યાં નજીક વાહનોની ગતિ સ્વાભાવિક રીતે ધીમી થતી હોય છે, ત્યાં તેની બાજુમાં માત્ર પાંચેક ફૂટના અંતરે વધુ એક નવો સ્પીડ બ્રેકર ઉભો કરવામાં આવ્યો છે. મુક્ત જીવન સર્કલથી આરટીઓ સર્કલ તરફ જતા માર્ગ પર આવી જ સ્થિતિ જોવા મળે છે. અહીં એક પછી એક બે સ્પીડ બ્રેકર હોવાથી ભારે વાહનોને ચઢાણ દરમિયાન લગભગ અટકી જવું પડે છે. માલવાહક ટ્રકો અને બસોના ચાલકો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. જ્યાં ગતિ નિયંત્રણ માટે એક જ બમ્પ પૂરતો હતો ત્યાં બે-બે સ્પીડ બ્રેકર બનાવવાની જરૂર શું હતી ? બીજી તરફ માધાપર ગાંધી સર્કલથી ઝાંસી કી રાની સર્કલ તરફનો નવો માર્ગ સંપૂર્ણ વિપરીત ચિત્ર રજૂ કરે છે. પહોળો અને નવો બનેલો રસ્તો હોવાથી વાહનો વધુ ગતિએ દોડે છે, છતાં અહીં કોઈ અસરકારક સ્પીડ બ્રેકર નથી. મંગળવારે સવારે અહીં થયેલા અકસ્માત બાદ ફરી એકવાર માર્ગ સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. યોગ્ય સ્થળે સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર ક્યાં, કેટલા અને કયા ધોરણ મુજબ લગાવવા તે અંગે યોગ્ય અભ્યાસ તથા ટ્રાફિક સર્વેના આધારે નિર્ણય લેવાય તો વાહનચાલકોની મુશ્કેલીઓ ઘટે અને અકસ્માતો પણ અટકાવી શકાય.
Read Original Article →