રાજાશાહી વખતના પ્રાચીન તળાવના અસ્તિત્વ સામે જોખમ:ખાવડામાં તળાવની આવને રોકીને પાળો બનાવાયો

Gujarat5/21/2026, 12:00:00 AM
રાજાશાહી વખતના પ્રાચીન તળાવના અસ્તિત્વ સામે જોખમ:ખાવડામાં તળાવની આવને રોકીને પાળો બનાવાયો
કચ્છના સરહદી ખાવડા ગામમાં રાજાશાહી વખતના પ્રાચીન ઉગમણા તળાવની કુદરતી આવકને રોકીને તેમાં માટીનો પાળો બનાવી દેવામાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામમાં હાલમાં ચાલી રહેલા કરોડો રૂપિયાના સી.સી. રોડના નિર્માણ કાર્ય દરમિયાન નીકળેલી માટી કોન્ટ્રાક્ટર દ્વારા તળાવની અંદર જ ઠાલવી દેવામાં આવતા પાણીનો કુદરતી પ્રવાહ રૂંધાઈ જવાની ગંભીર ભીતિ સેવવામાં આવી રહી છે. આ બાબતે ખાવડાના જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક ધોરણે તળાવમાંથી માટી હટાવવા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખાવડા ગામમાં હાલમાં અંદાજે ₹1 કરોડના ખર્ચે સી.સી. રોડ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ રોડના નિર્માણ માટે કરવામાં આવેલા માટીના ખોદાણ બાદ, તે માટીને અન્યત્ર ખસેડવાને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટરો ભરીને સીધી ઉગમણા તળાવમાં ઠાલવી દેવામાં આવી છે અને ત્યાં મોટો પાળો બનાવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ તળાવ રાજાશાહી કાળનું અત્યંત જૂનું અને પવિત્ર જળાશય છે, જેમાં 12 મહિના સુધી પાણીનો સંગ્રહ રહે છે. આ તળાવ આસપાસના વિશાળ પશુધન માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત, સ્થાનિક ખત્રી સમાજ જે પરંપરાગત અજરખ અને રંગાટ કામના વ્યવસાય સાથે જોડાયેલો છે, તે પણ આ જ તળાવના શુદ્ધ પાણીનો ઉપયોગ કરે છે. ગયા વર્ષે જ ‘અદાણી ફાઉન્ડેશન’ મારફત આ ઐતિહાસિક તળાવને ઊંડું કરવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે ગત ચોમાસામાં તળાવ સંપૂર્ણ ઓગની ગયું હતું. હાલ ઉનાળાની આકરી ગરમી વચ્ચે પણ આ તળાવમાં હજી આગામી ચાર મહિના સુધી ચાલે તેટલો પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે. આવા સમયે, વરસાદી પાણીની આવકના કુદરતી વહેણમાં જ માટી નાખી દેવાતા આગામી ચોમાસામાં તળાવમાં પાણી આવતું અટકી જશે અને સમગ્ર ગામમાં જળસંકટ ઊભું થઈ શકે છે. ખાવડા ગામના લોકોની વહીવટી તંત્ર અને કલેક્ટરને અપીલ છે કે, બેદરકાર કોન્ટ્રાક્ટર તાત્કાલિક અસરે આ ફેંકેલી માટી પાછી ઉપાડી લે અને તળાવને પૂર્વવત સ્થિતિમાં લાવે, જેથી સરહદી વિસ્તારની આ અમૂલ્ય જળસંપત્તિનું રક્ષણ થઈ શકે. સી.સી. રોડના નિર્માણમાં નીકળેલી માટી કોન્ટ્રાક્ટર દ્વારા તળાવની અંદર ઠાલવી દેવાઈ હોવાની ફરિયાદ કરાઇ
Read Original Article →