ખોટો કેસ કરી સસ્પેન્ડની ધમકી પણ આપી:સમાધાન માટે ગયેલી 112ની ટીમ પર હુમલો થતા બીજી ટીમને બોલાવવી પડી

Gujarat6/9/2026, 12:21:29 AM
શહેરના મિરજાપર હાઇવે પર આવેલી સંઘવી હોસ્પિટલમાં સિક્યુરીટી સ્ટાફ સાથે બોલાચાલી મામલે આરોપીએ પોલીસને જાણ કરી બોલાવી હતી જે બાદ પોલીસ સાથે જ બબાલ બાદ મારામારી કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરતા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ માધાભાઈ ભરવાડે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી ભુલાખાન અબ્દુલ હાલેપોત્રા, અબ્દુલ ભોલુ હાલેપોત્રા અને સિરાઝખાન સુમાર ફકીર સામે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદી 112 જનરક્ષકમાં પોતાની ફરજ પર હતા. એ દરમિયાન રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે હેલ્પલાઈન પરથી સંઘવી હોસ્પિટલમાં આરોપી ભુલાખાનને હોસ્પિટલના સિક્યુરીટીએ માર માર્યો હોવાની વર્ધી મળી હતી. ફરિયાદી તરત હોસ્પિટલ પહોંચ્યા ત્યારે આરોપી હોસ્પિટલ સ્ટાફના વીડિયો ઉતારી બોલાચાલી કરતો હતો. પોલીસે તેને પૂછપરછ કરી પોલીસ સ્ટેશન આવવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને કોલર પકડી શર્ટનો બટન તોડી નાખ્યો હતો. આરોપીઓએ પોલીસને ખોટી ફરિયાદ કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. મામલો બગડતા અન્ય 112 ને સ્થળ પર બોલાવવી પડી હતી અને મામલો થાળે પડ્યો હતો.આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરજમાં રુકાવટ મામલે ગુનો દાખલ કરી બે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →