કચ્છમાં ધો.1 થી 12 માં 2,500થી વધુ શિક્ષકોની હાલમાં અછત:કચ્છ સહિત રાજ્યમાં શિક્ષકોની અછત ઘટાડવા જ્ઞાન સહાયકની વયમર્યાદામાં વધારો

Gujarat6/9/2026, 12:23:25 AM
રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની ઘટને દૂર કરવા ગુજરાત સરકારે જ્ઞાન સહાયક યોજનામાં ફેરફારો જાહેર કર્યા છે. શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ હવે જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા માટેની મહત્તમ વયમર્યાદા 40 વર્ષથી વધારીને 48 વર્ષ કરાઈ છે. સાથે મેરિટ નક્કી કરવાની પદ્ધતિમાં પણ બદલાવ કરાયો છે. કચ્છ જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં અંદાજે 2,200થી વધુ અને માધ્યમિક વિભાગમાં 300થી વધુ શિક્ષકોની અછત છે. આવી સ્થિતિમાં સરકારના નવા નિર્ણયથી મોટી સંખ્યામાં લાયક ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકશે. નવી જોગવાઈ મુજબ હવે જ્ઞાન સહાયકની ભરતી માટે પર્સન્ટાઈલ પદ્ધતિને બદલે TET-1 અને TET-2 પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરિટ તૈયાર કરાશે. જેના કારણે ઉમેદવારોને વધુ પારદર્શક અને ગુણ આધારિત તક મળશે. સરકારે માત્ર મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પૂરતી ભરતી મર્યાદિત રાખવાને બદલે હવે સરકારી, નોન-SOE અને અનુદાનિત પ્રાથમિક શાળામાં પણ જ્ઞાન સહાયકોની નિમણૂકનો માર્ગ ખુલ્લો કર્યો છે. પરિણામે ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં શિક્ષકોની ઘટ દૂર કરવામાં મદદ મળશે. શિક્ષણવિદોના મતે વયમર્યાદામાં 8 વર્ષનો વધારો રાજ્યના હજારો TET પાસ ઉમેદવારો માટે રાહતરૂપ સાબિત થશે. અગાઉ સેવા આપી ચૂકેલા જ્ઞાન સહાયકોને અગ્રતા મળશે સમગ્ર શિક્ષા દ્વારા ઓનલાઇન ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લાવાર મેરિટ યાદી જાહેર થયા બાદ ઉમેદવારોને ઓનલાઈન શાળા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે. અગાઉ સેવા આપી ચૂકેલા અને વિવિધ કારણોસર છૂટા કરાયેલા જ્ઞાન સહાયકોને ખાલી પડેલી જગ્યાઓમાં અગ્રતા આપવાની પણ જોગવાઈ કરાઈ છે.
Read Original Article →