સનસેટ પોઈન્ટ તરફ જતી સફર અચાનક રોમાંચથી ભયમાં ફેરવાઈ:સુરક્ષા સામે પ્રશ્નચિહ્ન, સ્મૃતિવનમાં ગોલ્ફ કારની બ્રેક ફેઈલ થતાં ચિંતા
સામાન્ય રીતે ઉનાળાના વેકેશન દરમિયાન કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ટૂંકા પ્રવાસોની વધતી લોકપ્રિયતાને કારણે વર્ષના કોઈપણ સમયે કચ્છના પ્રવાસન સ્થળોએ લોકોની અવરજવર જોવા મળે છે. ખાસ કરીને ભુજિયો ડુંગર પર આવેલા સ્મૃતિવન ખાતે રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. પરંતુ બે દિવસ અગાઉ અહીં બનેલી એક ઘટનાએ પ્રવાસીઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. સનસેટ પોઈન્ટ તરફ જતી સફર અચાનક રોમાંચથી ભયમાં ફેરવાઈ મળતી માહિતી મુજબ, સ્મૃતિવનમાં સનસેટ પોઈન્ટ સુધી પ્રવાસીઓને લઈ જવા માટે બેટરી સંચાલિત ગોલ્ફ કારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાથવે પરની સફરને વધુ રોચક અને સરળ બનાવવા માટે ચારથી આઠ પ્રવાસીઓ બેસી શકે તેવી આ કારો સતત દોડતી રહે છે. બે દિવસ અગાઉ ભ જેના એક પરિવાર સાથે આવી જ એક ગોલ્ફ કાર સનસેટ પોઈન્ટ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. સવાર ચાર પેસેન્જરને નાની મોટી મૂઢ માર લાગી હતી. ઊંચાઈવાળા માર્ગ પર કાર અચાનક કાબૂ બહાર જતાં સવાર લોકો એક ક્ષણ માટે ભારે ગભરાટ ફેલાયો હતો. પરિવારના સભ્યો ભયભીત બની ગયા હતા. જોકે ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી કારને કાબૂમાં લઈ લેતા મોટો અકસ્માત ટળી ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, છતાં આ અનુભવ કડવો સાબિત થયો હતો. હા, આવી એક નાની ઘટના બની હતી : સંચાલક આ મુદ્દે પ્રોજેક્ટ ડાયરેક્ટર મનોજ પાંડે સાથે વાતચીત કરવામાં આવતા તેમણે સ્વીકાર્યું હતું કે ‘હા, આવી એક નાની ઘટના બની હતી, પરંતુ કોઈ મોટો અકસ્માત થયો નહોતો.’ જોકે પ્રવાસીઓમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ઊંચાઈવાળા અને વળાંકભર્યા માર્ગ પર લોકોની સુરક્ષા જોડાયેલી હોય ત્યારે વાહનોની તકેદારીમાં કોઈ બેદરકારી કેમ રાખવામાં આવે?
Read Original Article →