એક કિમીમાં ફેલાયેલા ખંડેર નગરની પુરે છે સાક્ષી:ભીમાસર પાસેનું ‘મોતિયાર’ હડપ્પાના સંકેતો આપતું નગર

Gujarat5/19/2026, 12:00:00 AM
એક કિમીમાં ફેલાયેલા ખંડેર નગરની પુરે છે સાક્ષી:ભીમાસર પાસેનું ‘મોતિયાર’ હડપ્પાના સંકેતો આપતું નગર
કચ્છની ધરતી પ્રાચીન સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાઓ ધરાવે છે. એવા જ પ્રાચીન નગરના અવશેષો વાગડના રાપર તાલુકાના ભીમાસર ગામ નજીક ‘મોતીયાર’ વિસ્તારમાં છે. નજીકમાં જ રાજબાઈ માતાના મંદિરવાળી મોટીગઢ ટેકરીની તળેટીમાં આશરે 1 ચોરસ કિમી જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ ખંડેરો એક સમયના કિલ્લેબંધ નગર હોવાની સાક્ષી પૂરે છે. વાગડના સંશોધક મહાદેવ બારડના જણાવ્યુ હતું કે, આ સામાન્ય વસાહત નહીં પરંતુ સુવ્યવસ્થિત નગર હતું. કેટલાક નિષ્ણાતો આ નગરને મેગાલીથીક યુગ સાથે જોડી રહ્યા છે. જો એ દાવો સાચો સાબિત થાય તો કચ્છનો ઇતિહાસ હડપ્પન સંસ્કૃતિ કરતાં પણ પ્રાચીન હોવાનું ગૌરવ મેળવી શકે છે. તો અન્ય સંશોધકો તેને કાઠીઓની પ્રાચીન વસાહત માને છે. ઝારખંડના મેગાલીથીક સંશોધક સુભાષદાસે અહીંની ગુફાને ભારતની વિરલ મેગાલીથીક રચનાઓમાંની એક ગણાવી છે. સાથે જ કચ્છના પુરાતત્ત્વવિદ ડો.પુલીન વસાએ પણ આ વિસ્તારમાં વૈજ્ઞાનિક સંશોધનની જરૂરિયાત દર્શાવી હતી. સ્થાનિક લોકવાયકા મુજબ, આ વિસ્તાર જૂનું ભીમાસર મનાય છે અને માતાજીની પ્રેરણાથી ગામ હાલના સ્થળે વસાવાયું હતું.લેખક ભનુભાઈ ખવડ તથા બારોટ પરંપરાની નોંધો મુજબ, જળું શાખના કાઠીઓ અને તેમની કુળદેવી રાજબાઈ માતાજીનો આ વિસ્તાર સાથે નજીકનો સંબંધ રહ્યો હતો. આજે પણ રાજબાઈ માતાનું સ્થાનક એ ભીમાસરનું આસ્થાનું કેન્દ્ર છે. સાથે જ ‘ભીમનું ભોંયરું’ માર્ગ વિષે પણ સ્થાનિકોમાં લોકચર્ચા રહેતી હોય છે. ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકો પી.એસ.ઠક્કર અને દીપકભાઈ મારુએ સેટેલાઈટ ઈમેજના આધારે વિસ્તારના નગરરૂપ અવશેષો જોઈને ભવિષ્યમાં વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવાની આશા વ્યક્ત કરી હતી. મોતીયારના દરેક અવશેષ અને લોકવાયકા પ્રાચીન સંસ્કૃતિ સાથે સીધી જોડાયેલ છે. અહી, યોગ્ય સંશોધન અને સંવર્ધન થાય તો આ સ્થળ કચ્છને વિશ્વ ઇતિહાસના નકશા પર નવી ઓળખ અપાવી શકે છે. મોતિયારની જમીન નિમ કરવા લોકમાંગ હાલમાં જ કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા રમત-ગમતના મેદાનો અને તળાવોની જમીનો નિમ (આરક્ષિત) કરીને તેના સંરક્ષણ માટે કામગીરી કરાઈ હતી. બરાબર એ જ તર્જ પર વાગડના ઐતિહાસિક વારસાને બચાવવા માટે ‘મોતીયાર’ની જમીનને પણ નિમ કરીને સંરક્ષિત કરવાની સ્થાનિક માંગ ઊભી થઈ છે. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ પરમારે મોતીયાર જેવા ઐતિહાસિક સ્થળોને સંરક્ષિત કરીને ગહન પુરાતત્ત્વીય અભ્યાસ હાથ ધરવાની માંગ કરી છે.
Read Original Article →