ભાસ્કર એક્સક્લુસિવ:વડાપ્રધાને કહ્યું, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો પણ ભુજમાં 8 વર્ષથી સિટી બસ સેવા જ બંધ, રોજ 35 થી 40 હજાર વાહનોની અવરજવર
કચ્છનું પાટનગર ભુજ આજે સ્માર્ટ સિટી તરફ ડગ માંડી રહ્યું છે, પરંતુ શહેરની પરિવહન વ્યવસ્થા હજુ પણ ગાડા યુગ જેવી છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને ઈંધણ બચાવવા અને જાહેર પરિવહન વાપરવા અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપના ગઢ ગણાતા ભુજમાં છેલ્લા 8 વર્ષથી સિટી બસ સેવા બંધ છે. આ સ્થિતિને કારણે ભુજની જનતા ઈચ્છવા છતાં જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકતી નથી અને મોંઘાદાટ પેટ્રોલ ફૂંકીને પોતાના વાહનો રોડ પર ઉતારવા મજબૂર છે. ભુજ શહેર હવે ચારેતરફ વિસ્તર્યું છે. શહેરના મુખ્ય ચાર પ્રવેશદ્વારો પરથી દરરોજ પસાર થતા વાહનોના આંકડા ચોંકાવનારા છે જેમાં માધાપર-ભુજ હાઈવે સૌથી વ્યસ્ત છે. અહીં અંદાજ પ્રમાણે દરરોજ 13 થી 16 હજાર નાના વાહનો પસાર થાય છે. મિરજાપર રોડ પર શાળા અને કોલેજોને કારણે 10 થી 12 હજાર વાહનોની રોજિંદી અવરજવર છે. એરપોર્ટ રોડ પર ન્યુ ભુજ ડેવલોપ થયું છે જે કોડકી રોડ અને રતીયા સુધી ફેલાયું છે તો મુન્દ્રા રોડ પર ઘણી નવી સોસાયટીઓ બની છે. આ બંને માર્ગો પર થઈને રોજ અંદાજે 16 હજાર નાના વાહનો અવરજવર કરે છે. સમગ્ર ભુજમાં અંદાજ પ્રમાણે 35 થી 40 હજાર નાના વાહનો (મોપેડ અને કાર) પ્રવેશે છે. જો સિટી બસ શરૂ હોય તો આમાંથી 50 ટકા ભારણ ઓછું થઈ શકે છે. ચૂંટણી ટાણે મોટા-મોટા વચનો આપતા નગરસેવકો અને પદાધિકારીઓ હવે વડાપ્રધાનની અપીલને માન આપીને ભુજની જનતાને સિટી બસની ભેટ આપશે કે કેમ ? એજન્સીઓ પર નિર્ભર રહેવાને બદલે અન્ય શહેરોની જેમ નગરપાલિકા પોતે અથવા એસટી નિગમની મદદ લઈને પણ આ સેવા શરૂ કરી શકે છે. હાલમાં તો ભુજની જનતા ધુમાડા અને ટ્રાફિક વચ્ચે બસની કાગડોળે રાહ જોઈ રહી છે. 2022માં 9 કરોડની ગ્રાન્ટ આવી છતાં સત્તાધીશોની ઉદાસીનતા દેખાઈ
નવાઈની વાત એ છે કે, રાજ્ય સરકારે ભુજમાં 22 નવી CNG બસો દોડાવવા માટે વર્ષ 2022માં 9 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી હતી છતાં નગરપાલિકાના સત્તાધીશો સંચાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. અગાઉ એજન્સીઓ સાથેના વિવાદ અને રીક્ષા ચાલકોના ત્રાસના બહાને સેવા બંધ કરી દેવાઈ હતી. આજે જ્યારે ભુજમાં હેલ્થ અને એજ્યુકેશન હબ વિકસ્યું છે, ત્યારે મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ અને વડીલો માટે સિટી બસ આશીર્વાદરૂપ બની શકે તેમ છે. અન્ય શહેરોમાં STની મદદ, તો ભુજમાં કેમ નહીં
ગુજરાતના અનેક નાના શહેરોમાં જ્યાં પાલિકા પોતે સંચાલન કરી શકતી નથી, ત્યાં એસટી વિભાગની મીની બસો ભાડે રાખીને પરિવહન સેવા ચલાવવામાં આવે છે. ભુજ પાસે બજેટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને બસ સ્ટોપ પણ છે, છતાં નગરપાલિકાના સત્તાધીશો એસટી વિભાગ સાથે સંકલન સાધવામાં કે એજન્સીઓ પર નિયંત્રણ રાખવામાં વામણા પુરવાર થયા છે. સેંકડો વિદ્યાર્થીઓ, નોકરીયાતો, મહિલાઓ અને વડીલોએ રોજ ગામડેથી કે બહારના વિસ્તારોમાંથી ભુજ આવવું પડે છે. સિટી બસ ન હોવાને કારણે રીક્ષા ચાલકોની મનમાની અને ખાનગી વાહનોના ખર્ચે મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. સિટી બસ કેમ અનિવાર્ય ? ટ્રાફિકમાં રાહત : એક બસ 50 બાઈક કે 10 કારનો વિકલ્પ છે. 35 થી 40 હજાર વાહનોના કારણે થતા ટ્રાફિક જામનો કાયમી ઉકેલ સિટી બસ છે. પેટ્રોલના ખર્ચમાં બચત : મોંઘા પેટ્રોલના જમાનામાં સામાન્ય માણસ, વિદ્યાર્થીઓને સિટી બસ આર્થિક રીતે મોટો ટેકો આપી શકે છે. PMના હેતુની સાર્થકતા : વડાપ્રધાનની અપીલ ત્યારે જ સફળ થશે જ્યારે સ્થાનિક તંત્ર સુવિધા આપશે. લોકો જાહેર પરિવહન વાપરવા તૈયાર છે, પણ બસ છે ક્યાં? માધાપર અને એરપોર્ટ રોડ પર ટ્રાફિકમાં વધારે લોકો પીસાય છે
Read Original Article →