ભાસ્કર વિશેષ:ખારસર-છગનવાંઢના લોકોએ શ્રમદાન કરી રસ્તો ખુલ્લો કર્યો

Gujarat5/13/2026, 12:00:00 AM
ભાસ્કર વિશેષ:ખારસર-છગનવાંઢના લોકોએ શ્રમદાન કરી રસ્તો ખુલ્લો કર્યો
ખારસર વાંઢથી ડાવરી જતા દોઢ કિલોમીટરના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી બાવળો, ઝાડીઓ અને જાંખરાનો એટલો ઉપદ્રવ વધ્યો હતો કે વાહનચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું હતું. સમસ્યાના ઉકેલ રૂપે ગ્રામજનોએ એક દિવસના શ્રમદાન સાથે માર્ગ ખુલ્લો કર્યો હતો. રસ્તો સાંકડો થઇ જતા ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય વધ્યો હતો, જ્યારે 108 જેવી ઇમરજન્સી સેવાઓને પણ દર્દીઓ સુધી પહોંચવામાં ભારે હાલાકી વેઠવી પડતી હતી. આ બાબતે સબંધિત તંત્રને વારંવાર રજૂઆતો છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં અંતે ખારસર અને છગનવાંઢ ગામના ગ્રામજનોએ પોતે જ જવાબદારી ઉપાડી સરાહનીય સેવા કાર્ય હાથ ધર્યું હતું. ગામલોકોએ સ્વૈચ્છિક રીતે એકત્ર થઈ રસ્તાની બંને બાજુ ફેલાયેલા બાવળો, ઝાડીઓ અને જાંખરા દૂર કરી આખો રસ્તો ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો બનાવ્યો. આ સફાઈ અભિયાનમાં ખારસર ગામના કેશારામ કલ્યાણદાસ ભગત, ઉપસરપંચ પુનાભાઈ મકવાણા, ભચાભાઈ મકવાણા સહિત અનેક યુવાનો અને આગેવાનો જોડાયા હતા. ગ્રામજનોએ આખો દિવસ શ્રમદાન કરી રસ્તાને સુરક્ષિત અને સુગમ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગામલોકોના આ સેવા કાર્યને સ્થાનિકોમાંથી ભારે પ્રશંસા મળી રહી છે. લોકોનું કહેવું છે કે તંત્રની રાહ જોવાને બદલે ગ્રામજનોએ એકતા, સહકાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
Read Original Article →