તા.પં.ના વિપક્ષી નેતાએ રજૂઆત કરી:વાગડમાં સરપંચ પતિનું રાજ, મહિલા સરપંચોની અવગણના
ભચાઉ અને રાપર વિસ્તારની ગ્રામ પંચાયતોમાં કેટલાક ચૂંટાયેલા મહિલા સરપંચોના સ્થાને તેમના પતિ કે અન્ય પુરુષ સગાઓ દ્વારા વહીવટ ચલાવાતો હોવાનો આક્ષેપ ભચાઉ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનજીભાઈ રાઠોડ દ્વારા કરાયો છે. આ મુદ્દે ભચાઉના નાયબ કલેક્ટરને લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા પંચાયતોમાં 50 ટકા અનામત અપાઈ છે, પરંતુ વાગડની રૂઢિચુસ્ત પરંપરાને લીધે મહિલા સરપંચો માત્ર નામ પૂરતી જ છે. ખરો વહીવટ સરપંચ પતિ અથવા પુત્રો ચલાવે છે. કેટલાક મહિલા સરપંચો તો વર્ષોથી પંચાયત કચેરીએ ગયા નથી. સરકારી કર્મચારીઓની કથિત મિલીભગતથી મહિલાઓના નામે ડુપ્લીકેટ સહીઓ થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સત્તાવાર હોદ્દો ન હોવા છતાં સરપંચના પતિઓ પોતાની ગાડીઓ પર બોર્ડ લગાવીને રોફ જમાવે છે. મનજીભાઈ રાઠોડે માંગ કરી છે કે, ગ્રામ પંચાયતની બેઠકોમાં મહિલા સભ્યોના પતિ કે પરિવારજનોના પ્રવેશ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મુકાય. ડુપ્લીકેટ સહીઓ રોકવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમયાંતરે સહીની ખરાઈ કરવામાં આવે. જે મહિલા સરપંચો પોતાની ફરજ જાતે બજાવવાને બદલે પુરુષોને આગળ કરે, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરી હતી.
Read Original Article →