વિધિવત મહોર લગાવીને સત્તાવાર તાજપોશી કરવામાં આવશે:જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોની જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની ‘મીની સંસદ’ ગણાતી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય મુખ્ય હોદ્દેદારોના નામોની લાંબા સમયથી સેવાતી અટકળો અને ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે. શાસક પક્ષ ભાજપ દ્વારા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના મહત્વના પદો માટે પક્ષના સત્તાવાર ઉમેદવારોના નામોની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપે 38 બેઠકમાંથી 34 સીટો પર વિજય મેળવ્યો હતો. ત્યારે કચ્છ જિલ્લા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદ માટે પ્રભાબેન મેરામણભાઈ હુંણની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા અને પંચાયતની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે હરેશભાઈ ભંડેરીના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, પંચાયતમાં સત્તાપક્ષના નેતા તરીકે ધનજીભાઈ ચાવડા અને દંડક તરીકે મેઘબાઈ જીવરાજ ગઢવીના નામો પર મહોર મારી દેવામાં આવી છે. આજે ઔપચારિક ઘોષણા કરાશે : વિધિવત મહોર લગાવીને સત્તાવાર તાજપોશી કરવામાં આવશે જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આયોજિત એક મહત્વની બેઠકમાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ ચૂંટણી પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લાના ધારાસભ્યો અને અગ્રણી રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નામોની સત્તાવાર જાહેરાત થયા બાદ તુરંત જ તમામ નક્કી કરાયેલા હોદ્દેદારોના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પૂર્ણ કરી લેવામાં આવી હતી. ‘મીની સંસદ’ના સુકાનીઓની રેસમાં આ વખતે ઘણા પ્રબળ અને વગદાર દાવેદારો મેદાનમાં હોવાથી પક્ષની અંદર અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના અને ખેંચતાણનો માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે, ભાજપ હાઇકમાન્ડ દ્વારા આખરી પસંદગી કરતી વખતે પક્ષના સંગઠનાત્મક માળખાને મજબૂત રાખવાની સાથે-સાથે કચ્છ જિલ્લાના જુદા-જુદા ભૌગોલિક અને પ્રાદેશિક વિસ્તારોના પ્રતિનિધિત્વ વચ્ચે સચોટ સંતુલન જાળવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી આગામી સમયમાં શાસન વ્યવસ્થા સુદ્રઢ ચાલી શકે. આજે જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાનારી ખાસ સામાન્ય સભામાં આ જાહેર કરાયેલા તમામ નામો પર લોકશાહી ઢબે વિધિવત મહોર લગાવીને સત્તાવાર તાજપોશી કરવામાં આવશે. આ નવી ટીમ આગામી અઢી વર્ષ માટે કચ્છના ગ્રામીણ વિકાસની કમાન સંભાળશે.
જમાં જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ સમક્ષ પ્રમુખ પદ માટેનું ફોર્મ ભરવામાં આવ્યું ત્યારની તસવીર મુખ્ય પદાધિકારીઓ અને તેમની બેઠકો પ્રમુખ પ્રભાબેન મેરામણભાઈ હુંણ (ભીમાસર-ચકાસર) ઉપપ્રમુખ મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા (નલિયા) કારોબારી ચેરમેન હરેશભાઈ ભંડેરી (સુખપર) સતાપક્ષ નેતા ધનજી ખીમા ચાવડા (કુકમા) દંડક મેઘબાઈ જીવરાજ ગઢવી (ગઢશીશા)
Read Original Article →