ઐતિહાસિક બગીચાઓની હાલત દયનીય:નગરપાલિકાનું અનોખું ‘ગણિત’: બગીચામાં બે ટાંકી અને ફેન્સિંગ કરવાનો ખર્ચ છ લાખ!
ભુજમાં નગરપાલિકાના શાસકોના અનોખા વહીવટના કિસ્સા અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે બગીચાના નામે જે ‘ખેલ’ પાડવામાં આવ્યો છે તે સાંભળીને ભલભલા આશ્ચર્યમાં મુકાઈ જાય તેમ છે. ભુજમાં રાજાશાહી સમયના ઐતિહાસિક બગીચાઓની જાળવણી કરવામાં નિષ્ફળ ગયેલી નગરપાલિકાએ નાના બગીચા બનાવવામાં મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ વર્ષ અગાઉ જૂની રાવલવાડી તરફ જતા માર્ગ પર, મુખ્ય અધિકારીના રહેણાંકની બિલકુલ સામે અંદાજે 200 ચોરસ મીટર જેટલી એક ખુલ્લી સરકારી જમીન પર પાલિકાએ ‘બગીચો’ બનાવવાનું નક્કી કર્યું. આ સરકારી જગ્યા પર માત્ર લોખંડની ફેન્સિંગ કરવામાં આવી અને એક-એક હજાર લીટરની બે પ્લાસ્ટિકની ટાંકીઓ મુકવામાં આવી હતી. પાલિકાના ચોપડે આ સામાન્ય ફેન્સિંગ અને બે પાણીની ટાંકીઓનો કુલ ખર્ચ 6 લાખ થી વધુ દર્શાવવામાં આવ્યો છે તેવું વિશ્વસનીય સૂત્રો જણાવે છે. નગરપાલિકાની પોતાની જ પાણીની લાઇન હોવા છતાં, આટલી નાની જગ્યા માટે છ લાખનો ધુમાડો કઈ રીતે થયો તે મોટો સવાલ છે. સ્થાનિક નિવૃત્ત સરકારી કર્મચારીઓની મહેનતથી આ જગ્યા હરિયાળી તો બની, પરંતુ પાલિકાની બેદરકારીને કારણે એક બાજુ ફેન્સિંગ નીકળી જતા હાલમાં આ સ્થળ ગાયો અને ભૂંડનો અડ્ડો બની ગયું છે. જો પાલિકા તંત્ર જાગે અને ફરી સુરક્ષિત કરીને બેન્ચ મૂકે, તો સિનિયર સિટીઝન માટે આ આશીર્વાદરૂપ બની શકે તેમ છે. મુખ્ય અધિકારીના રહેણાંક સામે જ બગીચાના નામે આચરવામાં આવ્યું કૌભાંડ ઐતિહાસિક બગીચાઓની હાલત દયનીય ભુજ શહેરમાં કરોડોના ખર્ચે થયેલા નવા કામોના વિવાદો વચ્ચે રાજાશાહી વખતના હેરિટેજ બગીચાઓની હાલત દયનીય છે. હમીરસાર કિનારે રાજેન્દ્રબાગ એક સમયે ભુજની શાન ગણાતો આ ઐતિહાસિક બગીચો પાલિકાની કચાશ અને રખરખાવના અભાવે સુકાઈ રહ્યો છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર અસામાજિક તત્વોનો ત્રાસ છે.
Read Original Article →