રજૂઆતના થયા શ્રીગણેશ:મુદ્દો સિટી બસનો : ઉદે્શ રાજકીય તાકાત બતાવવાનો!

Gujarat5/28/2026, 12:00:00 AM
રજૂઆતના થયા શ્રીગણેશ:મુદ્દો સિટી બસનો : ઉદે્શ રાજકીય તાકાત બતાવવાનો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભુજ શહેરના જનહિતના પ્રશ્નોના મુદ્દે રાજકારણ ગરમાયું છે. સામાન્ય રીતે સત્તા પક્ષ કામ કરતો હોય છે અને વિપક્ષ શહેરના વિવિધ પ્રશ્નો રજૂ કરીને નામ પૂરતો શાંત બેસી રહેતો હોય છે, પરંતુ આ વખતે ભુજમાં ચિત્ર બદલાયું છે. ચૂંટણી પૂરી થતાં જ વિરોધ પક્ષ કોંગ્રેસ આક્રમક ‘એક્શન મોડ’માં જોવા મળી રહ્યો છે અને પ્રજાના સળગતા પ્રશ્નોને લઈને અલગ-અલગ વિભાગોમાં ઉગ્ર રજૂઆત માટે પહોંચી જાય છે. બુધવારે કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકો અને કાર્યકરોની ટીમે શહેરમાં ચાલતા અસહ્ય વીજ ધાંધિયા મામલે પીજીવીસીએલ (PGVCL) ના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. વીજ સમસ્યા બાદ તુરંત જ વિપક્ષી ટીમ ભુજ નગરપાલિકા કચેરી ખાતે દોડી ગઈ હતી. જ્યાં વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખ શીતલ શાહ અને કારોબારી ચેરમેન કમલ ગઢવી સમક્ષ ભુજ શહેરની વર્ષોથી બંધ થઈ ગયેલી સીટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવા બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં રજૂઆત ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી હતી. પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન વિપક્ષની વાતોને ગંભીરતાથી સાંભળી રહ્યા હતા અને વિપક્ષી નેતાઓ પણ વિવેકપૂર્વક પ્રશ્નો રજૂ કરી રહ્યા હતા. પ્રમુખે સત્તા પર આવ્યાના બીજા દિવસે જ બધી માહિતી મેળવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત માટેના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ચર્ચા દરમિયાન અચાનક જ શાસક પક્ષના નેતા ધર્મેશ જોષીએ કોઈક મુદ્દે પોતે જ વિપક્ષની ભૂમિકામાં હોય તેમ ઊંચા અવાજે બોલવાનું શરૂ કરી દીધું હતું. શાસક પક્ષના નેતાનો આવો આક્રમક મિજાજ જોઈને વિપક્ષના નગરસેવકો ઉગ્ર રજૂઆતનું મન મનાવીને જ આવ્યા હતા તે કિશોરદાન ગઢવી, ફકીરમામદ કુંભાર, આયશુબેન, અંજલિ ગોર સહિતના નગરસેવકો અને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. જોતજોતામાં પાલિકા પ્રમુખની ચેમ્બરનું શાંત વાતાવરણ ગરમ થઈ ગયું હતું અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તૂતૂ-મૈંમૈંનો માહોલ સર્જાયો હતો. સામસામે વાકયુદ્ધ થતાં આગામી સમયમાં સામાન્ય સભા શાંતિથી નહીં થાય તેવા એંધાણ દેખાય છે. વીજ કટોકટી મુદ્દે કોંગ્રેસે આપી ઉગ્ર આંદોલનની ચીમકી ભુજ શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે અવારનવાર ખોરવાતી વીજળી અને લો-વોલ્ટેજની ગંભીર સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્માર્ટ મીટરના બિલિંગમાં ધાંધિયા અને રાત્રે કોલ સેન્ટર પર અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ભારે જનરોષ વ્યાપ્યો છે. ઓવરલોડિંગ નિવારવા એબીસી કેબલ નાખવા અને ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સની માંગ સાથે કોંગ્રેસ પક્ષે પીજીવીસીએલ (PGVCL) ને આઠ દિવસમાં નિકાલ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. પ્રમુખ-કારોબારી ચેરમેન દ્વારા ઉકેલની ખાતરી જો કે, મામલો વધુ બિચકે તે પહેલાં પ્રમુખ શીતલ શાહ અને કારોબારી ચેરમેન કમલ ગઢવીએ મધ્યસ્થી કરી હતી. તેમણે વિપક્ષને શાંત પાડતા જણાવ્યું હતું કે સીટી બસની સમસ્યા ગંભીર છે અને તંત્ર દ્વારા આ બાબતે સકારાત્મક પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે, તેમજ બને તેટલી વહેલી તકે આ સેવાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે. ભલે આ વિવાદ હાલ પૂરતો શાંત પડી ગયો હોય, પરંતુ અત્યારથી જ જે રીતે શાસક અને વિપક્ષ સામસામે આવી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) ભારે તોફાની બનશે તે નક્કી છે.
Read Original Article →