ગાબડું માળિયામાં ને તરસ્યું ભુજ:નર્મદાનો એક દિવસનો કાપ 5 દિવસ શહેરને પાણી વગર રાખે છે

Gujarat6/10/2026, 12:00:00 AM
ગાબડું માળિયામાં ને તરસ્યું ભુજ:નર્મદાનો એક દિવસનો કાપ 5 દિવસ શહેરને પાણી વગર રાખે છે
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી પાણીની તીવ્ર અછત અને અનિયમિત વિતરણને પગલે મંગળવારે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. સાંસદ વિનોદ ચાવડા અને કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં નર્મદા લાઇનમાંથી મળતા અપૂરતા જથ્થા અંગે વિસ્તારથી ચર્ચા થઈ હતી. ભુજ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત છે, પરંતુ હાલમાં નિયત જથ્થામાં મોટો કાપ મુકાતાં પાલિકાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રમુખ શીતલ શાહે જણાવ્યું કે, ભુજ શહેરને પૂરતો 44 MLD પાણીનો જથ્થો મળવો જોઈએ, પરંતુ માળિયા પાસે જ્યારે પણ લાઈનમાં ખામી કે અન્ય સમસ્યા થાય છે ત્યારે પાણીનો સપ્લાય ઘટાડી દેવાય છે. નર્મદાના પાણી એક દિવસ મળે અને ચાર દિવસ ધીમા દબાણે આવે ત્યારે ભુજના ઘણા વિસ્તારોમાં 4 થી 5 દિવસે પાણી પહોંચે છે. બેઠકમાં હાજર GWIL ના કાર્યપાલક ઈજનેર મુકેશ આંત્રોલિયા અને GWSSB ના અધિકારીઓ સામે પાલિકાએ રોજબરોજનો વાસ્તવિક રિપોર્ટ રજૂ કરીને પાણીનો કાપ ન મૂકવા તાકીદ કરી હતી. કલેક્ટરે પણ સ્પષ્ટ સૂચના આપી છે કે મુખ્ય લાઈનની સમસ્યા ગમે તેમ કરીને ઉકેલો અને ભુજને માગ છે તેટલું પાણી પૂરું પાડો. બેઠકમાં પ્રાંત અધિકારી અનિલ જાદવ, વોટર સપ્લાય શાખાની ટીમ પણ હાજર રહી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગાંધીનગર હોવાથી ગેરહાજર રહ્યા હતા. નર્મદાના પાણી પર નિર્ભરતા ઘટાડવી જ પડશે સૂત્રોના જણાવ્યા મુજબ, જો પાલિકા પોતાના સ્થાનિક જળસ્ત્રોત (બોર અને કૂવા) વધુ મજબૂત કરે છે, તો ઉચ્ચ કક્ષાએથી નર્મદાના ક્વોટામાં કાપ મૂકી દેવાની આશંકા રહે છે. આથી વહીવટી તંત્રે એ બાબત સુનિશ્ચિત કરવી પડશે કે સ્થાનિક સ્ત્રોત વધારવા છતાં ભુજનો મૂળ નર્મદાનો 44 MLD નો ક્વોટા જળવાઈ રહે. પાલિકાના સભ્યો પાણી વિતરણની વ્યવસ્થા જાળવવા માટે રાત-રાત જાગીને ટાંકાઓ પર હાજર રહે છે. કુક્માના નવા 8 બોર જો તાકીદે મંજૂર થઈ જાય, તો આગામી દિવસોમાં ભુજના નાગરિકોને 5 દિવસે પાણી મળવાની આ સમસ્યામાંથી મોટી રાહત મળી શકે તેમ છે. 5 બોર બનાવવાની વહીવટી મંજૂરી માંગવામાં આવી સ્થાનિક સ્તરે પાણીની સપ્લાય મજબૂત કરવા માટે કુક્માના સંપ પાસે નવા 5 બોર બનાવવાની વહીવટી મંજૂરી માંગી લેવામાં આવી છે, જે હાલ અંતિમ તબક્કામાં છે. હાલમાં 9 બોર ચાલુ છે અને આ નવા 8 બોર શરૂ થતાં કુલ 17 બોર મારફતે દૈનિક 9 થી 10 MLD વધારાનું પાણી ભુજને મળતું થઈ જશે, જે નર્મદાના વિકલ્પ તરીકે મોટો ટેકો આપશે.
Read Original Article →