NEET પરીક્ષા રદ્દ:કચ્છના 1437 છાત્રોનું ડોક્ટર બનવાનું સપનું અધ્ધરતાલ બન્યું

Gujarat5/13/2026, 12:00:00 AM
મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેની રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા NEET સરકાર દ્વાર રદ્દ કરી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છમાં જે પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા, ત્યાં હવે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં નોંધાયેલા કુલ 1468 વિદ્યાર્થીઓ પૈકી 1437 વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે આ પરીક્ષા આપી હતી. ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ તેમજ ગાંધીધામની સરકારી હાઈસ્કૂલ અને માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાઈ હતી. જોકે, ભારત સરકારની મંજૂરી સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 3 મે 2026 ના રોજ યોજાનારી NEET (UG) 2026 ની પરીક્ષા રદ કરવાનો અને અલગથી નવી તારીખો પર ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. પેપર લીક થયા બાદ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે NEET પરીક્ષા રદ કરવામાં આવી છે. આનાથી આશરે દેશના 22 લાખ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે. પરીક્ષા માફિયાઓ-દોષિતો સામે કડક કાર્યવાહી થાય: ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા નીટ-યુજી 2026 પરીક્ષામાં થયેલી કથિત અનિયમિતતાઓ અને પેપર લીક અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષાની વિશ્વસનીયતા સાથે થયેલા આ અન્યાયની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરવામાં આવે. રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. વિરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે, પરીક્ષા માફિયાઓ અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. વિદ્યાર્થીઓ ગભરાશો નહીં જાણો શું કરવું? મે 2026 પરીક્ષા માટે નોંધણી ડેટા, ઉમેદવારીપત્રો અને પસંદ કરેલા પરીક્ષા કેન્દ્રો ફરીથી પરીક્ષા માટે આગળ ધપાવવામાં આવશે. કોઈ નવા રજીસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં અને કોઈ વધારાની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. વધુમાં, વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવેલી ફી પરત કરવામાં આવશે અને NTA ના આંતરિક સંસાધનોનો ઉપયોગ કરીને પરીક્ષા ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. ફરીથી શેડ્યૂલ કરાયેલ NEET પરીક્ષાની તારીખો અને પ્રવેશ કાર્ડ શેડ્યૂલ સહિતની બધી વધુ માહિતી એજન્સીના સત્તાવાર જાહેર કરવામાં આવશે.
Read Original Article →