પાલીના સાંસદની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય:ભુજ-દિલ્હી વાયા પાલી-મારવાડ ટ્રેનને રેલ મંત્રીની લીલીઝંડી

Gujarat4/9/2026, 1:22:42 AM
કચ્છથી દેશની રાજધાની દિલ્હી તરફ જતા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભુજથી દિલ્હી વાયા પાલી-મારવાડને જોડતી નવી ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. રાજસ્થાનના પાલી લોકસભા વિસ્તારના સાંસદ પી.પી. ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે રેલવે મંત્રાલય દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ક્યારથી શરૂ થશે તે બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી હાલમાં માત્ર મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન સમયમાં ભુજથી દિલ્હીને જોડતી બે ટ્રેનો ભુજ-બરેલી અને દિલ્હી સરાઈરોહિલ્લા ટ્રેન કાર્યરત છે, પરંતુ કચ્છમાં વધતા જતા ઉદ્યોગો અને મોટી સંખ્યામાં તૈનાત સૈન્યના જવાનોને કારણે ઉત્તર ભારત તરફ જવા ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળતી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રેન દરરોજ દોડશે અને તેમાં 22 થી 24 કોચની સુવિધા હશે.ભુજથી સવારે 11.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.45 કલાકે દિલ્હી પહોંચશે. જ્યારે દિલ્હીથી પરત બપોરે 3.30 કલાકે રવાના થઈ બીજા દિવસે સાંજે 4.45 કલાકે ભુજ પરત ફરશે. આ ટ્રેન અંદાજે 1238 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસ દરમિયાન ગાંધીધામ, ભીલડી, જોધપુર, પાલી-મારવાડ, અજમેર અને જયપુર જેવા મહત્વના શહેરોને પણ આ ટ્રેન સેવાનો લાભ મળશે.
Read Original Article →