3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર:કચ્છમાં 18મી સુધી ગરમીની વકી, યલો એલર્ટ જાહેર કરાયું
કચ્છવાસીઓને ફરી એક વખત કાળઝાળ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા કચ્છ સહીત રાજ્યના અનેક વિસ્તારો માટે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક કચ્છમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 18 એપ્રિલ સુધી વાતાવરણ સુકું રહેશે અને દરિયા કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાની શક્યતા છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. જીલ્લામાં છેલ્લા 4 દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક શહેરમાં તાપમાન 4૩ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે. હવામાન વિભાગે કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેથી યલો એલર્ટ સાથે હિટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રવિવારે ભુજમાં 40.7, નલિયામાં 39.4, કંડલા પોર્ટ 40.7 અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 40 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 4 ડીગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. લૂ અને હીટવેવ શું છે?
હવામાન વિભાગ અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટ વેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે.
Read Original Article →