વિદ્યાર્થીએ AIથી તૈયાર કરી પ્રથમ ‘ટેલિસ્પેક્ટ્રોસ્કોપ’ સિસ્ટમ:સૂર્યથી લઈને નજીકના તારાઓ સુધીનું અવલોકન હવે શક્ય, ભુજના ધો. 12ના વિદ્યાર્થીની નવતર શોધ
ભુજના ધોરણ-12 સાયન્સ (A ગ્રુપ)ના વિદ્યાર્થી ધાર્મિક પ્રિતેશ બલભદ્રે ખગોળવિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં સંભવત ભારતની પ્રથમ સ્વવિકસિત ટેલિસ્કોપ( સ્પેક્ટ્રોસ્કોપ બાઈનરી ઓપ્ટિકલ સિસ્ટમ) તૈયાર કરી છે. જેનું તેમણે નામ ‘ટેલિસ્પેક્ટ્રોસ્કોપ’ રાખ્યું છે. જેના દ્વારા સૂર્ય, ચંદ્ર અને નજીકના તારાઓનું અવલોકન કરી શકાય છે. ઉપરાંત, આકાશીય પદાર્થોમાંથી આવતા પ્રકાશને સ્પેક્ટ્રમમાં વિભાજિત કરીને ગ્રહો અને તારાઓમાં રહેલા તત્ત્વોની ઓળખ અંગે માહિતી મેળવી શકાય છે.
ધોરણ-11 દરમિયાન સ્પેક્ટ્રોસ્કોપી વિષયમાં રસ વધતા તેમણે ટેલિસ્કોપ અને સ્પેક્ટ્રોસ્કોપને એકીકૃત કરીને સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અંદાજે 4 હજારના ખર્ચે તૈયાર થયેલી આ સિસ્ટમ PVC પાઇપ, મિરર અને 15 હજાર લાઇન પ્રતિ ઇંચ ક્ષમતા ધરાવતા ડિફ્રેક્શન ગ્રેટિંગ સ્લાઇડ જેવા ઓછા ખર્ચે ઉપલબ્ધ ઘટકો વડે કરવામાં આવ્યું છે. ભાસ્કર સાથે વાત કરતાં ધાર્મિકે જણાવ્યુ હતું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને પ્રાયોગિક વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટના સંશોધન અને ડિઝાઇન માટે તેમણે વિવિધ વૈજ્ઞાનિક સ્ત્રોતો ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ પણ લીધી હતી. એક એવું સાધન હોવું જોઈએ જે સસ્તું હોય અને વિદ્યાર્થીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આ સાધન દ્વારા તારાઓ અને ગ્રહોના પ્રકાશને સ્પેક્ટ્રમ (વર્ણપટ) માં વિભાજિત કરીને તેમાં રહેલા રાસાયણિક તત્વોની ઓળખ કરવી શક્ય બને છે
Read Original Article →