માંગ નહીં સંતોષાય તો હડતાલ:10 દિ’નું અલ્ટિમેટમ, પબ્લિક પંપો પર ઈંધણનો ક્વોટા બમણો કરવા ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડની માંગ, સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાનો સૂર ઉઠ્યો

Gujarat5/19/2026, 12:00:00 AM
માંગ નહીં સંતોષાય તો હડતાલ:10 દિ’નું અલ્ટિમેટમ, પબ્લિક પંપો પર ઈંધણનો ક્વોટા બમણો કરવા ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડની માંગ, સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાનો સૂર ઉઠ્યો
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે સર્જાયેલી ઈંધણની કટોકટીની સીધી અસર હવે કચ્છના ટ્રાન્સપોર્ટ અને વિવિધ ઉદ્યોગો પર પડી રહી છે. ડીઝલની અછતના મુદ્દે આજે હડતાળની જાહેરાત કરવા એકત્ર થયેલા વિવિધ એસોસિએશનો દ્વારા સરકારને 10 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો જાહેર વિતરણના પંપો પર ઈંધણનો ક્વોટા વધારીને આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા વાહનોના પૈડાં થંભાવી દઈને ‘સ્વૈચ્છિક હડતાળ’ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ડીઝલની અછત મુદ્દે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આજે કચ્છ જિલ્લા ડમ્પર એસોસિએશન, લોકલ ટ્રાન્સપોર્ટ, બાય-રોડ ટ્રાન્સપોર્ટ, ટેન્કર એસોસિએશન તેમજ મીઠા અને ટિમ્બર ઉદ્યોગના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પોર્ટ વપરાશ અને વિવિધ ઉદ્યોગોની મશીનરીઓ માટે ઈંધણની ખપત સહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ પંપો પરથી પૂરતું ડીઝલ ન મળતા અનેક વાહનો અટકી પડ્યા છે, જેને કારણે આખી સપ્લાય ચેઈનને માઠી અસર પહોંચી છે. આ બેઠકમાં તમામ લોકોએ આજથી જ સ્વૈચ્છિક હડતાળ પર જવાનો મૂડ બનાવ્યો હતો, પરંતુ લાંબી ચર્ચાના અંતે સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપવાનો નિર્ણય લેવાયો છે. જો સરકાર પબ્લિક પંપો પર ડીઝલનો ક્વોટા બમણો નહીં કરે, તો નાછૂટકે સ્વૈચ્છિક રીતે વાહનો થંભાવી દેવામાં આવશે. ભારે મશીનરીઓ માટે વ્યવહારુ આયોજન જરૂરી મીઠા ઉદ્યોગ, ટિમ્બર અને વિવિધ ફેક્ટરીઓમાં લોડર, ટ્રેક્ટર, ક્રેન અને હિટાચી જેવા ભારે વાહનોનો મોટા પાયે ઉપયોગ થાય છે. આ મશીનરીઓ માટે ડીઝલની ભારે અછત છે. હાલમાં પંપ પરથી કેરબા (ડબ્બા) માં ડીઝલ વિતરણ કરવા પર કડક પ્રતિબંધ છે. ત્યારે આ ભારેખમ અને ધીમી ગતિના વાહનોને ડીઝલ પુરાવવા છેક પંપ સુધી લઈ જવા એ ઉદ્યોગકારો માટે એક મોટી પરેશાની છે. તંત્ર દ્વારા આ મુદ્દે પણ વહેલીતકે કોઈ વચલો રસ્તો કાઢવામાં આવે તેવી માંગ ઉઠી છે. નેતાઓની શું જવાબદારી? બેઠકમાં ટેન્કર એસોસિએશનના શામજીભાઈએ ઉગ્ર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “ચેમ્બર અને તમામ લોકો રાજકીય નેતાઓનું સન્માન કરે છે. ચૂંટણીમાં લોકોએ તેમને ખોબે-ખોબે મત આપ્યા છે. પરંતુ આજે જ્યારે ડીઝલની રજૂઆત કરવા જઈએ છીએ, ત્યારે અધિકારીઓ હાથ અધ્ધર કરીને કહે છે કે ‘આ અમારા હાથમાં નથી.’ તો આ સમસ્યા માટે જવાબદારી કોની? આવા કપરા સમયે ‘લેંગા-ઝબ્બા’ પહેરીને ફરતા નેતાઓની જવાબદારી બને છે કે તેઓ આગળ આવે અને પ્રજાની આ સમસ્યાના ઉકેલ માટે સરકારમાં રજૂઆત કરી યોગ્ય સહકાર આપે.”
Read Original Article →