ગેરકાયદે દબાણો સામે આઠ દિવસમાં બીજી વખત કડક કાર્યવાહી:ભુજ હાટથી સીટી સર્વે ભવન સુધી લારી-ગલ્લા અને સામાન જપ્ત કરાયો
શહેરમાં માર્ગો અને જાહેર સ્થળો પરથી દબાણો દૂર કરવાની ઝુંબેશ હવે વધુ આક્રમક બની રહી છે. ગત 3 જૂને ભાનુશાલીનગર સામે કરવામાં આવેલી કાર્યવાહીના પડઘા હજુ શમ્યા નહોતા ત્યાં મંગળવારે પાલિકાની ટીમ ફરી મેદાનમાં ઉતરી હતી. આ વખતે ભુજ હાટ પાસેના હોકર્સ ઝોન તેમજ સીટી સર્વે ભવન આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન 17 હાથલારી, 46 ખુરશીઓ, 79 પ્લાસ્ટિક કેરેટ, પાંચ લોખંડના કાઉન્ટર અને બે ગેસ ચૂલા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકાના દબાણ શાખાના બ્રાન્ચ હેડ જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,આ સામાન જાહેર સ્થળો પર નિયમો વિરુદ્ધ ઉપયોગમાં લેવાતો હોવાથી હસ્તગત કરાયો હતો. કાર્યવાહીના પગલે ભુજ હાટ વિસ્તારનું દૃશ્ય એકદમ બદલાઈ ગયું હતું. રોજબરોજ લારી-ગલ્લા ઊભા રહેતા ધમધમતો વિસ્તાર થોડા કલાકોમાં જ ખુલ્લો અને અવરોધમુક્ત દેખાવા લાગ્યો હતો. આગામી દિવસોમાં કામગીરી જારી રહશે
નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર વધતા દબાણો સામે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. પાલિકાની આ ઝુંબેશથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે શહેરજનો હવે કાયમી ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે.
Read Original Article →