ભુજમાં ૧૧ જૂનથી ઇમરજન્સી સારવારની બીજી બેચ શરૂ થશે:STમાં કંડક્ટર બનવા 550 યુવાનો મેળવે છે ફર્સ્ટ એઈડની તાલીમ

Gujarat6/8/2026, 12:30:41 AM
ભુજમાં ૧૧ જૂનથી ઇમરજન્સી સારવારની બીજી બેચ શરૂ થશે:STમાં કંડક્ટર બનવા 550 યુવાનો મેળવે છે ફર્સ્ટ એઈડની તાલીમ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજ્યભરમાં કંડક્ટર અને ડ્રાઇવરની મોટા પાયે ભરતી પ્રક્રિયા શરૂ કરાતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલમાં 2,055 કંડક્ટરની જરૂરિયાત સામે સરકાર દ્વારા 2,263 વધારાની જગ્યા મંજૂર કરી કુલ 4,318 કંડક્ટરની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 2,336 ડ્રાઇવરની જરૂરિયાત સામે 2,263 નવી જગ્યા ઉમેરી કુલ 4,599 ડ્રાઇવરની ભરતી હાથ ધરવામાં આવી છે. કંડક્ટર ભરતી માટે મુખ્ય 3 લાયકાતો ફરજિયાત છે. ઉમેદવાર ધોરણ-12 પાસ હોવો જોઈએ, રેડક્રોસ સોસાયટીનું ફર્સ્ટ એડ ટ્રેનિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ અને ત્યારબાદ RTO દ્વારા જારી કરાયેલ કંડક્ટર બેજ લાયસન્સ મેળવવું જરૂરી છે. કંડક્ટર લાયસન્સ મેળવવા રેડક્રોસ સોસાયટીનું ફર્સ્ટ એડ ટ્રેનિંગ સર્ટિફિકેટ ફરજિયાત હોવાથી ભુજ સ્થિત રેડક્રોસ સોસાયટી ખાતે છેલ્લા મહિનાથી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ અંગે ભુજ રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મીરાબેન સાવલિયાએ જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી સતત તાલીમ વર્ગો ચાલી રહ્યા છે. પ્રથમ બેચની તાલીમ 10 જૂને પૂર્ણ થશે અને તેમાં આશરે 550 યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે. 11 જૂનથી નવા બેચની શરૂઆત થશે જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાવાના છે. આઠ દિવસ ચાલતા તાલીમ કાર્યક્રમમાં દરરોજ બે કલાક થિયરી અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં હાર્ટ એટેક સમયે CPR આપવાની પદ્ધતિ, અકસ્માતમાં રક્તસ્ત્રાવ અટકાવવાની રીત, દાઝી જવાના બનાવોમાં પ્રાથમિક સારવાર, સાપ કરડવાના કિસ્સામાં તાત્કાલીક સારવારના પગલાં, ઇમરજન્સીમાં સ્ટ્રેચરનો ઉપયોગ, ઇલેક્ટ્રિક શોક લાગવાના બનાવો સહિતની વિવિધ પરિસ્થિતિમાં જીવન બચાવતી પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. કંડક્ટર લાયસન્સની ઓનલાઈન અરજી પ્રક્રિયા કંડક્ટર લાયસન્સ આરટીઓ દ્વારા આપવામાં આવે છે પણ તેની ઓનલાઈન અરજી પ્રક્રિયા છે જેમાં ઉમેદવારે કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર પોર્ટલ https://parivahan.gov.in પર જઈ ગુજરાત રાજ્ય પસંદ કરવું, Conductor License હેઠળ New Conductor License વિકલ્પ પસંદ કરી અરજી ભરવી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા, ઓનલાઈન ફી ભરવી અને ત્યારબાદ RTO કચેરીમાં જઈ દસ્તાવેજ ચકાસણી કરાવવાની હોય છે. જે બાદ પ્રોવિઝનલ કંડક્ટર લાયસન્સ આપવામાં આવે છે. ભુજ આરટીઓએ 33 લાયસન્સ ઇસ્યુ કર્યા કંડક્ટર ભરતી માટે ધોરણ-12 પાસ લાયકાત ઉપરાંત રેડક્રોસનું તાલીમ પ્રમાણપત્ર અને કંડક્ટર બેઝ લાયસન્સ ફરજિયાત છે. આ લાયસન્સ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આપવામાં આવે છે. ભુજ RTO કચેરીના આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આશરે 75 અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કરાઈ હતી, જેમાંથી 33 અરજદારોને કંડક્ટર લાયસન્સ ઇશ્યૂ કરાયું છે. હવે ધસારો વધવાની શકયતા છે. કચ્છમાં 120 કંડક્ટર અને 60 ડ્રાઇવરની અછત કચ્છ જિલ્લામાં હાલ આશરે 120 કંડક્ટર અને 60 ડ્રાઇવરની અછત છે. અગાઉ કંડક્ટર તરીકે ફરજ બજાવતા ઘણા કર્મચારીઓએ અન્ય સરકારી નોકરીઓમાં પસંદગી મળતા રાજીનામાં આપ્યા હોવાથી ખાલી જગ્યાનું પ્રમાણ વધ્યું હોવાનું સૂત્રો જણાવે છે.
Read Original Article →