Live Updates
રહીશો પરેશાન:ગળપાદરની સોસાયટીના રહીશોએ કહ્યું : ‘પાણી મહિને ફક્ત એકવાર આવે છે ! કેમ જીવવું ?’
ગાંધીધામના ગળપાદર વિસ્તારમાં આવેલી બાગેશ્રી પામ (ભૂમિ રેસિડેન્સી) સોસાયટીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. સોસાયટીના રહીશોએ મનપા કમિશ્નર મનિષ ગુરવાણીને મળી રજુઆત કરી હતી કે,અહીં મહિનામાં માંડ એકાદ વાર પાણી આપવામાં આવે છે, તે પણ માત્ર 30 મિનિટ માટે અને ખૂબ જ ધીમા ફોર્સથી. પાણી અને ગટરની આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ અપાવવા સોસાયટીના કમિટી મેમ્બરોએ માંગ કરતા કમિશ્નરે તરત તેમની સાથે ટીમ મોકલીસમસ્યા તાત્કાલિક નીવારણ થશે તેવી હૈયા ધારણા આપી હતી. સોસાયટીના કમિટી મેમ્બરોએ કમિશ્નરને રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સોસાયટીમાં પાણીનો પુરવઠો અત્યંત અનિયમિત છે. 30 મિનિટના ટૂંકા ગાળામાં પૂરતું પાણી ભરાતું ન હોવાથી રહીશોએ ખાનગી ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે. એક ટેન્કરના આશરે 1,000 રૂપિયા ચૂકવવા પડે છે, જેના કારણે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજો વધી રહ્યો છે. સોસાયટીમાં માત્ર પાણી જ નહીં પણ ગટર વ્યવસ્થા પણ કથળેલી હાલતમાં છે. ખુલ્લી ગટરો અને ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ગંદકીને કારણે નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત ખુલ્લી ગટરોને કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે.પાણીનો પુરવઠો નિયમિત અને પૂરતા ફોર્સથી આપવામાં આવે,તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ વોટર ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે અને સોસાયટીમાં પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ (ગટર લાઈન) નાખવામાં આવે તેવી માંગ કરી હતી. કમીશ્નરે તરત જ તેમની સાથે મનપાની ટીમ મોકલી તાત્કાલિક નિરાકરણ લેવાશે તેમ જણાવ્યું હતું. સોસાયટીના રહેવાસીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →