ચલો સ્કુલ ચલે:કચ્છમાં 15 હજાર ડ્રોપ-આઉટ વિદ્યાર્થીઓને ફરી શાળાએ લાવવા આજથી મેગા અભિયાન

Gujarat6/9/2026, 12:56:07 AM
સરહદી જિલ્લા કચ્છમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય થાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર મિશન મોડમાં આવી ગયું છે. આગામી 18, 19 અને 20 જૂનના શાળા પ્રવેશોત્સવ યોજાવા જઈ રહ્યો છે, તે પૂર્વે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષણ પ્રવાહમાંથી બહાર થઈ ગયેલા 15 હજાર વિદ્યાર્થીઓને ફરીથી વર્ગખંડ સુધી લાવવા મેગા કેમ્પેઈન શરૂ કરાયું છે. કચ્છમાં ધોરણ 1 થી 12 ની કુલ 2,500 શાળા આવેલી છે, જેમાં હાલ 4.23 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ તંત્ર દ્વારા ઉનાળુ વેકેશનમાં વર્ગ શિક્ષકો મારફતે ગત 1 થી 25 મે દરમિયાન સર્વ શિક્ષા અભિયાન અને ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે ડ્રોપ-આઉટ કે ટ્રેક ન થયેલા ધો.1 થી 12ના 32,772 વિદ્યાર્થીઓનો ઓનલાઈન સર્વે કરાયો હતો. જેમાં 4,661 વિદ્યાર્થીએ પુનઃ પ્રવેશની ખાતરી આપી છે, 5 હજાર જેટલા વિદ્યાર્થીઓએ અન્ય જગ્યાએ પ્રવેશ લઈ લીધો છે, પરંતુ 15,252 વિદ્યાર્થીઓ એવા સામે આવ્યા છે જેમણે પ્રથમ વખત ભણવાની ના પાડી છે અથવા તેઓ સંપર્ક વિહોણા છે ! ત્યારે તેઓ શાળામાં આવે તે માટે તંત્ર દ્વારા આજથી ઝૂંબેશ શરૂ કરાઇ છે. ડ્રોપ આઉટ રેશિયો ઝીરો કરવાની કામગીરી કરાશે. જે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ નહિ લે તેના ઓપન સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવશે. શાળા પરિવહન યોજના : પહેલા દિવસે જ સહાયના નાણાં ખાતામાં જમા ડ્રોપ-આઉટ પાછળ વાહનવ્યવહારનો અભાવ એક મોટું કારણ છે. કોઈ પણ વિદ્યાર્થી માત્ર મુસાફરીના ખર્ચના કારણે અભ્યાસ ન મૂકે તે માટે સરકારની શાળા પરિવહન યોજના કારગર સાબિત થઈ રહી છે. સોમવારે 8 જૂનના શાળાઓ ખૂલવાના પ્રથમ દિવસે જ કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સક્રિયતા દાખવીને તમામ મંજૂર થયેલી દરખાસ્તોના નાણાં વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ઓનલાઈન જમા કરી દેવાયા છે. યોજનાનો લાભ લેવા વર્ગ શિક્ષક કે આચાર્યનો સંપર્ક કરી શકાશે. ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ST સાથે સંકલન કરી નવા રૂટ શરૂ કરાશે ગત વર્ષે રાપરમાં શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ આ વર્ષે પ્રથમ વખત સમગ્ર કચ્છમાં લાગુ થશે. ST વિભાગ સાથે મળીને શાળાના સમય મુજબ, વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ નવી બસો શરૂ કરવા સાથે નવા સ્ટોપ ઉભા કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ગામથી શાળા સુધી પરિવહન કરી શકે. ​ગામમાં ભણતર : રાજ્યમાં પ્રથમવાર કચ્છમાં 38 ‘ઇન્ટિગ્રેટેડ શાળા’ને મંજૂરી ગામમાં 8 ધોરણ સુધી જ શાળા હોવાથી સામાજિક રૂઢિચુસ્તતાના ઉકેલ માટે બાળકો ડ્રોપ-આઉટ થતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે કચ્છમાં રાજ્યની સૌપ્રથમ 38 ઇન્ટિગ્રેટેડ શાળા શરૂ થશે. જેમાં પ્રાથમિક શાળાના કેમ્પસમાં જ ધોરણ 9 શરૂ કરાશે. આગામી વર્ષે ધોરણ 10 અને ત્યારબાદ 11-12 એમ તબક્કાવાર વર્ગો વધારાશે, જેથી બાળકોએ ગામની બહાર જવું ન પડે. આ સિવાય ચાલુ વર્ષે વધુ 11 સરકારી હાઈસ્કૂલ શરૂ કરાઈ છે. વાલીઓને મનાવવા ડોર-ટુ-ડોર ‘માસ્ટર પ્લાન’ એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ : DEO જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે, જિલ્લા શિક્ષણ તંત્રનો એક જ સંકલ્પ છે, કચ્છનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. અમે સરહદી અને અંતરિયાળ ગામડાં ખૂંદી વળવા તૈયાર છીએ. વાલીઓને અમારી નમ્ર અપીલ છે કે ખાસ કરીને બાળકોને ભણાવવામાં સંકોચ ન રાખે, સરકાર તેમના પરિવહનથી લઈ શિક્ષણ સુધીની તમામ જવાબદારી લેવા માટે કટિબદ્ધ છે.
Read Original Article →