કચ્છ ડિવિઝનમાં 66% સ્ટાફની અછત મુદ્દે રજૂઆત:જૂનાગઢમાં પોસ્ટ કર્મચારીના રાજ્ય અધિવેશનમાં કચ્છ જિલ્લાના પ્રશ્નો ગાજ્યા, ઉકેલની માંગ કરાઇ
જૂનાગઢ ખાતે ભારતીય પોસ્ટલ એમ્પ્લોયઝ એસોસીએશન ગ્રુપ-સીની 18મી સર્કલ કોન્ફરન્સ બે દિવસ માટે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં ગુજરાત સર્કલના વડા ચીફ પોસ્ટ માસ્તર શ્રીગણેશ સાવલેશ્વરકર અને કચ્છ-સૌરાષ્ટ્રના પોસ્ટ માસ્તર જનરલ પવનકુમાર દાલમીયા સહિત દિલ્હી અને ગુજરાતના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કચ્છ ડિવિઝનના પ્રતિનિધિઓએ જિલ્લામાં ચાલી રહેલી સ્ટાફની ગંભીર અછત અને કર્મચારીઓની આર્થિક વિસંગતતા મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી. અધિવેશનમાં કચ્છ ડિવિઝનના પ્રતિનિધિઓએ સેક્રેટરી જનરલ અનંતકુમાર પાલ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ મુજબ કચ્છ ડિવિઝનમાં મંજૂર થયેલા સ્ટાફની સામે માત્ર 66% જેટલો જ સ્ટાફ ઉપલબ્ધ છે. આટલી મોટી અછતને કારણે કાર્યરત કર્મચારીઓ પર કામનું ભારણ અસહ્ય રીતે વધી રહ્યું છે. સ્ટાફ ઓછો હોવાને કારણે કર્મચારીઓને પૂરતી રજાઓ પણ મળતી નથી, જેની સીધી અસર ટપાલ અને બેંકિંગ સેવાઓ પર પડી રહી છે. કર્મચારીઓના પ્રમોશન અને MACP-1 તથા MACP-2 સ્વીકારવામાં પ્રવર્તતી ટેકનિકલ વિસંગતતાઓનો મુદ્દો પણ આ સભામાં ઉઠાવવામાં આવ્યો હતો. આ ખામીઓને કારણે અનેક કર્મચારીઓએ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કચ્છના યુનિયન પ્રતિનિધિઓએ આ પ્રશ્નો ડાયરેક્ટર લેવલ સુધી લઈ જઈને તાત્કાલિક નિરાકરણ લાવવા દિલ્હીના પ્રતિનિધિઓ પર ભાર મૂક્યો હતો. આ કોન્ફરન્સમાં કચ્છમાંથી કન્વીનર હર્ષદભાઈ ચાવડા, જોઈન્ટ સેક્રેટરી ધવલભાઈ ઠક્કર, વિરલભાઈ ચૌહાણ અને કેતનભાઈ ગોસ્વામીએ હાજરી આપી કચ્છનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. ડિવિઝન સેક્રેટરી સાહિલભાઈ મલિકે જણાવ્યું હતું કે આગામી સમયમાં કચ્છ ડિવિઝનમાં યુનિયનનું દ્વિવાર્ષિક અધિવેશન યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક પ્રશ્નો પર વધુ મંથન કરવામાં આવશે.
Read Original Article →