રાજ્યના વસ્તી ગણતરી નિયામક સમક્ષ રજૂઆત કરવામાં આવી:બપોર સુધી શાળા બાદ વસ્તી ગણતરી કામગીરી કરવાની થાય તે શિક્ષકોના માટે ઘણું અઘરું પડે

Gujarat6/9/2026, 12:31:34 AM
વસ્તી ગણતરી અને નવા શૈક્ષણિક સત્રની કામગીરી વચ્ચે પ્રાથમિક શિક્ષકોને ‘ઓન ડ્યુટી’ ગણવા તેમજ વેકેશન દરમિયાન બજાવેલી ફરજ બદલ વળતર રજા આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સમક્ષ રજૂઆત કરી છે. રાજ્યમાં હાલ વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહી છે. જેના માટે પ્રાથમિક શિક્ષકો સહિત વિવિધ કર્મચારીઓને સુપરવાઇઝર અને ગણતરીદાર તરીકે નિયુક્ત કરાયા છે. વસ્તી ગણતરીના હુકમો મળેલા કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા અગાઉથી સૂચનાના પગલે શિક્ષકોએ ઉનાળુ વેકેશન દરમિયાન તાલીમ મેળવી 1 જૂનથી કામગીરી શરૂ કરી છે. બીજી તરફ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં વસ્તી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોને સવારના સમયે શાળામાં શિક્ષણકાર્ય અને બપોર બાદ વસ્તી ગણતરીની કામગીરી સંભાળવી પડે તો તે બંને જવાબદારીઓ અસરકારક રીતે નિભાવવી મુશ્કેલ બનશે. સુચારૂ રીતે કામગીરી થાય તે માટે ઑન ડયુટીની રાજ્યકક્ષાએથી સૂચના આપવા બાબતે સંઘે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ માયાત્રાને રજૂઆત કરી છે. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલે લખેલા પત્રમાં ભારત સરકારના જનગણના અધિનિયમ-1948ની કલમ 15(એ)નો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, વસ્તી ગણતરીની ફરજ પર વિતાવેલો સમય કર્મચારીની મૂળ કચેરીની ફરજ તરીકે ગણવાની જોગવાઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 70 ટકાથી વધુ પ્રાથમિક શિક્ષકો ગણતરીમાં જોડાયેલા હોવાથી તેમને કામગીરીના સમયગાળા દરમિયાન ‘ઓન ડ્યુટી’ ગણવા તમામ જિલ્લાઓને સૂચના આપવા માંગ કરાઇ છે. તેવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર, હરદેવસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું હતું. વેકેશન સમયગાળાની વળતર રજા આપવા માંગ ગણતરીમાં રોકાયેલા શિક્ષકોને વેકેશન સમયગાળાની નિયમાનુસાર મળવાપાત્ર પ્રાપ્ત/વળતર રજા આપવા તમામ જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકાના વસ્તી ગણતરી અધિકારીઓને સૂચના આપવા પણ રજૂઆત કરાઈ હોવાનું રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને ઉપપ્રમુખ વિલાસબા જાડેજાએ જણાવ્યું હતું.
Read Original Article →