પૂરક પરીક્ષાની તૈયારી કરવી કે પરિણામની રાહ જોવી:ધો. 10માં ગુણ ચકાસણીનું પરિણામ હજુ અધ્ધરતાલ, છાત્રોની મૂંઝવણ !
ધો.10ના બોર્ડ પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહ જોવાનો સમય લાંબો થઈ રહ્યો છે. ધોરણ 12માં ગુણ ચકાસણી કરાવનાર વિદ્યાર્થીઓના પરિણામો ઓનલાઇન જાહેર થઈ ગયા પરંતુ ધો.10ના વિદ્યાર્થીઓના ગુણ ચકાસણીના પરિણામો જાહેર કરાયા નથી. જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્કંઠા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરણ 10નું બોર્ડનું પરિણામ 6 મેના જાહેર થયું હતું. કચ્છમાં કુલ 21,117 નિયમિત વિદ્યાર્થીઓ પૈકી 20,867 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જેમાં 17,662 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. બોર્ડ દ્વારા 8 મેના ગુણ ચકાસણી માટેની જાહેરાત કરાઈ જેમાં 15 મે સુધી ઓનલાઇન નોંધણીની તક અપાઈ હતી. આ તરફ જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં અનુત્તીર્ણ હતા અથવા ગેરહાજર હતા, તેમજ જેમને સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતની પરીક્ષા આપવી હોય તેમના માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓએ 18 મે સુધી ફોર્મ પણ ભર્યા છે. હવે 11 જૂનથી પૂરક પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. એક તરફ પૂરક પરીક્ષાની તૈયારી ચાલી રહી છે જ્યારે બીજી તરફ ગુણ ચકાસણી માટે અરજી કરનાર ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ બુધવાર સાંજ સુધી જાહેર કરાયા નથી.ધો. 12ના પરિણામો આવી ગયા છતાં ધો 10ના પરિણામોમાં વિલંબને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે, પૂરક પરીક્ષાની તૈયારી પર ધ્યાન આપવી કે પરિણામની રાહ જોવી.
Read Original Article →