લોકો ત્રાહિમામ:રતનાલમાં લગ્નોના ધમધમાટ વચ્ચે કલાકો સુધી વીજળી ડૂલ
હાલ અંધારી તેરસના પગલે કચ્છના પ્રાંથળીયા આહીર સમાજના ગામોમાં લગ્નસરાનો ધમધમાટ છે. તેવા સમયે રતનાલ જેવા મોટા અને મહત્વપૂર્ણ ગામમાં મંગળવારે બપોરથી જ અચાનક વીજળી ડૂલ થઈ જતાં ભર ઉનાળાની આકરી ગરમીમાં લોકો અને લગ્નપ્રસંગના આયોજકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બપોરના સમયે વીજળી ગયા બાદ ગામલોકો દ્વારા પીજીવીસીએલ વિભાગને સતત ફોન પર જાણ કરવામાં આવી હતી. આમ છતાં, તંત્ર દ્વારા કોઈ ત્વરિત પગલાં લેવાયા ન હતા અને છેક સાંજના સમયે વીજ વિભાગની ટીમ ગામમાં આવી પહોંચી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ગામના વથાણ પાસે આવેલું ટ્રાન્સફોર્મર બગડી ગયું હોવાથી તેને બદલવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. વીજ વિભાગની કામગીરીમાં મોટી બેદરકારી ત્યારે છતી થઈ જ્યારે ટીમ યોગ્ય સાધનો વગર જ ટ્રાન્સફોર્મર બદલવા પહોંચી ગઈ હતી. પૂરતા અને સુરક્ષિત સાધનોના અભાવે કામગીરી દરમિયાન એક તબક્કે નવું ટ્રાન્સફોર્મર થાંભલા પર ચડાવતી વખતે અચાનક નીચે પટકાયું હતું. સદનસીબે આ ઘટનામાં ત્યાં હાજર કોઈપણ કર્મચારી કે નાગરિકને ઈજા પહોંચી ન હતી અને એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. રાત્રી સુધી ટ્રાન્સફોર્મર બદલવાની અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી જારી રહી હતી. લગ્નના આવા મહત્વના સમયે અને આકરી ગરમી વચ્ચે વીજતંત્રની આ ઢીલી અને બેદરકાર કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Read Original Article →