ભારે હાલાકી:નખત્રાણાના અંતરિયાળ વિસ્તારના લોકો ક્ષારવાળું પાણી પીવા મજબૂર
નખત્રાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની બુમરાડ ઉઠી છે. ક્યાંક ખારું પાણી તો ક્યાંક ડેમનું ખુલ્લું પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. તાલુકાના ઢોરા ગામના લોકો છેલ્લા ઘણા સમયથી ખારુ પાણી પી રહ્યા છે ઢોરો અને વજીરાવાઢના 1000 જેટલી વસ્તી આવેલી છે જે લોકોને ક્ષારવાળું પાણી વિતરીત કરાય છે. લુડબાય એક અને લૂંડબાય બે, ભંભારાવાંઢ, ઉઠંગડી સહિતના ગામોના લોકો બાજુમાં આવેલા ગજણસર ડેમનું ખુલ્લું પાણી પીવા મજબૂર બન્યા છે. મોટર લગાવી ડેમનું પાણી ટાંકામાં ઠલાવી પીવા લાયક કરી રહ્યા છે. ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે. લુડબાય ગામના સરપંચ જબાર જતે જણાવ્યું કે પાણી પુરવઠામાં વારંવાર રજૂઆત કરવા છતાં બોર રીપેર કરવામાં નથી આવતા જેના કારણે ડેમમાં મોટર લગાવી પાણી ખેંચવું પડે છે. તૂટી પડેલા બોરના કારણે લોકોને ગજણસર ડેમનું ખુલ્લું પાણી પીવાની નોબત આવી છે. આ બાબતે તાત્કાલિક યોગ્ય કરાય તેવી માગ ઉઠી છે. નોંધનીય છે કે, કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે તો પશુધનની હાલત પણ કફોડી બની છે ત્યારે તાત્કાલિક પગલા ભરવામાં આવે તેમ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.
Read Original Article →