ધંધામાં બરકત, નડતર દૂર કરવાના બહાને લોકોને શીશામાં ઉતારતા:મમુઆરામાં અંધવિશ્વાસના નામે ઠગાઈ કરવા આવેલી ત્રિપુટીને પધ્ધર પોલીસે ઝડપી પાડી

Gujarat6/10/2026, 12:00:00 AM
ધંધામાં બરકત, નડતર દૂર કરવાના બહાને લોકોને શીશામાં ઉતારતા:મમુઆરામાં અંધવિશ્વાસના નામે ઠગાઈ કરવા આવેલી ત્રિપુટીને પધ્ધર પોલીસે ઝડપી પાડી
લોકોની ભોળપણ અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી, ધંધામાં બરકત લાવવા તેમજ જીંદગીમાંથી નડતર દૂર કરવાના બહાને છેતરપિંડી આચરતી ત્રિપુટીને પધ્ધર પોલીસે મમુઆરા ગામથી દબોચી લીધી છે. પદ્ધર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમીને આધારે આરોપી અરવિંદનાથ ઉર્ફે ફુક્કો જીવણનાથ પરમાર (રહે. રાજકોટ), બળવંતભાઈ હિરાભાઈ વાદી (રહે. બનાસકાંઠા) અને પરબત નથુભાઈ રાઠોડ (રહે. રાજકોટ)ને ઝડપી લીધા હતા. પીઆઈ એ.ડી.ખાંટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી ત્રિપુટી મમુઆરા ગામમાં અંધશ્રદ્ધા ફેલાવી ધંધામાં બરકત લાવવા તેમજ જીંદગીમાંથી નડતર દૂર કરવાના બહાને છેતરપિંડી આચરવાની પેરવીમાં હતી. એ દરમિયાન આરોપીઓ અલ્ટો લઈને પલાયન થવાની ફિરાકમાં હતા અને ભાગવા જતા કાર ભટકાતા તેમને ઝડપી લેવાયા હતા. આરોપીઓ પાસેથી અલ્ટો કાર, રોકડ રૂપિયા 17,240 અને 4 મોબાઈલ સહીત વિધિની સામગ્રી સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. લોકોનો વિશ્વાસ કેળવવા સ્ત્રીનો વેશ ધારણ કર્યો લોકોનો વિશ્વાસ કેળવવા માટે ગેંગનો એક સભ્ય સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરતો અને પોતાની પાસે વિશેષ શક્તિઓ હોવાનો ઢોંગ કરતો હતો. તેઓ ઘરમાં દુઃખ-તકલીફો કે ધંધામાં મંદી દૂર કરવા માટે ખાસ પૂજા-વિધિના બહાને લોકો પાસેથી રોકડ અને કિંમતી વસ્તુઓ પડાવી લીધા બાદ પલાયન થઇ જતા હતા. ત્રિપુટી સામે 15 ગુના નોધાયેલા મુખ્ય આરોપી અરવિંદનાથ અગાઉ પણ તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી, ચોરી અને ગાંજાની હેરાફેરી જેવા 11 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્યારે અન્ય બે આરોપીઓ પણ પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલા છે. અજાણ્યા લોકોથી સાવધાન રહેવા પોલીસની અપીલ ધંધામાં પ્રગતિ કે જીવનના દુઃખ દુર કરવા કોઈ શોર્ટકટ કે તાંત્રિક વિધિ કામ આવતી નથી. લોકોએ આવા ભ્રમમાં આવવું જોઈએ નહીં,સ્ત્રી કે સાધુ વેશમાં ઘરે આવી દાવા કરતા ઢોંગીઓથી છેતરાશો નહીં તેમ પોલીસે જણાવ્યું હતું.
Read Original Article →