બોર સુકાતાં ટેન્કર ન મળવાથી લોકોમાં રોષ:ભુજના ઉધમા ગામમાં જળસંકટથી હાહાકાર, પાણી માટે માઈલો સુધી ભટકવા મજબૂર

Gujarat6/8/2026, 12:43:14 AM
બોર સુકાતાં ટેન્કર ન મળવાથી લોકોમાં રોષ:ભુજના ઉધમા ગામમાં જળસંકટથી હાહાકાર, પાણી માટે માઈલો સુધી ભટકવા મજબૂર
કચ્છના ભુજ તાલુકાના ઉધમા ગામમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર વિકાસના મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે બીજી તરફ 21મી સદીમાં પણ આ ગામના લોકો પાણી માટે તરસી રહ્યા છે. ગામમાં નળ અને બોરવેલ હોવા છતાં તળ સુકાઈ જવાથી તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આટલી કપરી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા સરકારી ટેન્કરની કોઈ જ વ્યવસ્થા ન કરાતા ગ્રામજનો અને પશુધનની હાલત અત્યંત કફોડી બની છે. ઉધમા ગામમાં પાણીની એવી અછત છે કે ઘરની બહેન-દીકરીઓને સવારથી સાંજ સુધી માથા પર બેડાં લઈને પાણી માટે માઈલો સુધી રઝળપાટ કરવો પડે છે. આટલો સંઘર્ષ કર્યા પછી પણ ઘરમાં ચૂલો સળગે કે રાંધવા પૂરતું પાણી માંડ નસીબ થાય છે. પાણીના અભાવે બાળકોને નહાયા વગર શાળાએ જવાનો વારો આવ્યો છે અને વૃદ્ધો તરસ્યા રહેવા મજબૂર છે. સૌથી દયનીય સ્થિતિ મૂંગા પશુઓની છે. ગામના હવાડા સાવ ખાલીખમ પડ્યા છે અને ગાયો-ભેંસો તરસથી બરાડા પાડી રહી છે. ગામના અગ્રણી જત મામદખાન અને અભૂ બખર જતે જિલ્લા વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમારા ગામના હવાડા પશુઓ માટે ખાલી છે. માણસ તો પોતાની વ્યથા કહી શકે, પણ આ મૂંગા પશુઓનું પાપ કોને લાગશે? ગ્રામજનોએ ગાંધીનગર સચિવાલય અને ભુજ કલેક્ટર કચેરી સુધી પોતાનો અવાજ પહોંચાડતા ઉગ્ર માંગ કરી છે કે ઉધમા ગામની બહેનો અને પશુઓની વેદના સમજીને તાત્કાલિક અસરથી પાણીના ટેન્કર શરૂ કરવામાં આવે. આ સાથે જ આ વિસ્તાર માટે કોઈ કાયમી જળ-યોજના લાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
Read Original Article →