વળતર અને ન્યાય મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:રેલડી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી અટકી
ભુજ-ભીમાસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વર્ષોથી અટકેલા રેલડી રેલ્વે ઓવરબ્રિજનું કામ ગુરુવારે તંત્ર દ્વારા ફરી શરૂ કરવાનો પ્રયાસ કરાતા મામલો ગરમાયો હતો. યોગ્ય વળતર અને લેખિત ખાતરી વિના કામગીરીનો પ્રારંભ થતાં જ જમીન ગુમાવનારા 19 નાના ખેડૂતો અને સ્થાનિકોએ સ્થળ પર પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવી કામ અટકાવી દીધું હતું. આ પ્રશ્ન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સુધી પહોંચ્યો હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ ન આવતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2017થી મંજૂર થયેલો આ પ્રોજેક્ટ એજન્સીઓની નાણાકીય નબળાઈને કારણે અટવાયો હતો. ત્યારબાદ NHAI દ્વારા ઓવરબ્રિજનો નવો નકશો જાહેર કરાતા વિવાદ બે વર્ષથી વકર્યો છે. જૂની ડિઝાઇન મુજબ સીધો માર્ગ જવાને બદલે, નવા નકશામાં માર્ગ ડાયવર્ટ થતાં 19 ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, વહીવટી તંત્ર અગાઉની જેમ જ આ વખતે પણ રાતોરાત મશીનરી ઉતારીને કામગીરી આગળ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ ઉચ્ચ સ્તરે થયેલી બેઠકોમાં યોગ્ય વળતરની ખાતરી અપાઈ હતી, પરંતુ જમીન પર કોઈ અમલ ન થતાં ગુરુવારે ખેડૂતોએ કલેક્ટર અને હાઈવે ઓથોરિટી સામે આકરા પ્રહારો કર્યા હતા. આ મુદ્દો કેન્દ્રીય મંત્રી સુધી પહોંચ્યો હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ ન આવતા જમીન ગુમાવનારા 19 નાના ખેડૂતો અને સ્થાનિકોએ સ્થળ પર પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવી કામ અટકાવી દીધું હતું. ઇનસાઇડ નવ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ 2017 માં પ્રથમ નકશો તૈયાર થયો અને જમીન સંપાદન પણ પૂરું થઈ ગયું હતું. 2021માં નવી એજન્સી આવતા જ નકશો બદલાયો, નવા નકશાથી વિવાદ થયો. જે સીધો વિવાદનું મૂળ બન્યો છે. આ વિસ્તારના ખેડૂતોની પાયાની આજીવિકા બાગાયત પર નિર્ભર છે, જે બ્રિજના કારણે સંપૂર્ણ નષ્ટ થવાની ભીતિ છે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ, ગત જાન્યુઆરી માસમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે દિલ્હી સ્તરે બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને અન્યાય ન થાય તેવી શરતો નક્કી થઈ હતી. છતાં સ્થાનિક અધિકારીઓ લેખિત વળતર આપવાને બદલે સીધું બાંધકામ શરૂ કરવા દબાણ કરી રહ્યા છે. NHAI ના પ્રોજેક્ટ ડાયરેક્ટરના મતે આ કામ આ વર્ષના અંત સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે, પરંતુ ખેડૂતોના ઉગ્ર મૂડને જોતા ન્યાયી ઉકેલ વિના બ્રિજનું એક પણ ચોરસ મીટર કામ આગળ વધવું અશક્ય જણાઈ રહ્યું છે. નવા નકશામાં 19 નાના ખેડૂતો અને જૈન આશ્રમની કિંમતી બાગાયતી જમીન કપાતમાં જતી હોવાથી રોષ
Read Original Article →