હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું:કચ્છમાં તાપમાનનો પારો 41થી 45 ડિગ્રી રહેવાની વકી
કચ્છમાં છેલ્લા બે સપ્તાહથી સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી કચ્છમાં ગરમીનું જોર ઘટવાના બદલે હજુ વધવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિને જોતા હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આગામી 72 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ ત્યાં સુધી સૂર્ય દેવતા અગનગોળા વરસતા રહેશે. મંગળવારના તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, કંડલા એરપોર્ટ વિસ્તાર 43 ડિગ્રી તાપમાન સાથે જિલ્લાનો સૌથી ગરમ વિસ્તાર નોંધાયો હતો. આ ઉપરાંત, ભુજમાં 42 ડિગ્રી, કંડલા પોર્ટ વિસ્તારમાં 38.5 ડિગ્રી અને નલિયામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, કંડલામાં આ વર્ષે સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ વધી રહેલા પારો અને હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને ગરમીથી બચવાના તમામ સુરક્ષાત્મક પગલાં લેવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. ગરમીની આ લહેરને કારણે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે.
Read Original Article →