કડક કાર્યવાહી:ટેક્ષ શાખાના પાંચ કર્મીઓને ગેરહાજરી બાબતે નોટિસ, એકને સસ્પેન્ડ કરવાની પણ તજવીજ
ભુજ નગરપાલિકાની ટેક્સ શાખામાં તાજેતરમાં થયેલી કારણદર્શક નોટિસની કાર્યવાહી બાદ કરાર આધારિત ડમી કર્મચારીઓનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલ દ્વારા પાંચ કર્મચારીઓને વોર્નિંગ નોટિસ બજાવવામાં આવી છે, જ્યારે એક કર્મચારીને છૂટા કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પગલાં પાછળ ટેક્સ વસૂલાતમાં ઘટાડો અને શિસ્તભંગના મુદ્દાઓ મુખ્ય કારણ હોવાનું જાણવા મળે છે. સુધરાઇના અંતરંગ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ, 2 એપ્રિલે સાંજે 5:30 વાગ્યે ટેક્સ શાખાના કર્મચારીઓની એક બેઠક મુખ્ય અધિકારીની ચેમ્બરમાં યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષની કરવેરા વસૂલાત સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2025-26 દરમિયાન ટેક્સ વસૂલાતમાં આશરે ત્રણ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 18.58 કરોડની વસૂલાત થઈ હતી, જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો 22 કરોડ સુધી પહોંચ્યો હતો. વસૂલાતમાં આવેલા આ ઘટાડાને કારણે ઉચ્ચ સ્તરે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત, કેટલીક કર્મચારીઓની કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને શિસ્ત અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. સમયસર હાજરી ન આપવી અને શાખાની બેઠકમાં ગેરહાજર રહેવા બદલ રાજેશ વાઘેલા, અક્ષય વ્યાસ, ધર્મેન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા અને મયુર સોલંકીને વોર્નિંગ નોટિસ આપી બે દિવસમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે. તેમજ મકબુલ કુંભારને છૂટા કેમ ન કરવામાં આવે તે અંગે ખુલાસો આપવા સૂચના અપાઈ છે. સુધરાઇમાં કારોબારીમાં ઠરાવ પસાર કરીને વિવિધ શાખામાં કરાર આધારિત કર્મચારીઓ ભરતી કરાય છે, તો જરૂરી જણાય તો આરસીએમ થી પણ ઓર્ડર કરાય છે. તેમાં પણ ખાસ કરીને નગરપાલિકાની ટેક્સ અને સેનિટેશન શાખામાં અંદાજે 35થી વધુ કરાર આધારિત કર્મચારીઓ માત્ર હાજરી નોંધાવવા માટે જ આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જો આ આક્ષેપો સત્ય સાબિત થાય તો સખત હાથે નિર્ણય લઈને અનાવશ્યક કર્મચારીઓને દૂર કરી ખરેખર કામ કરવા ઇચ્છુક લોકોને તક આપવાની માંગ ઉઠી રહી છે. નોટીસ બાદ કર્મચારીઓ કારણ આપી જતા માત્ર દેખાવની કામગીરી બની
મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જેમને વોર્નિંગ નોટિસ આપી તેમણે કારણ આપી દીધું છે, રૂબરૂ મળી ગયા છે. જોકે, શું કારણ આપ્યું એ કહેવાનું ટાળ્યું હતું. છૂટા કરવા માટેના આદેશ બાબતે જણાવ્યું કે, તેમના કોઈ નજીકના સગાનું અકસ્માત થતા હાજર નહોતા રહી શક્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટાભાગના જાણે છે કે, ડમી કર્મચારીઓની ભરતી માત્ર આર્થિક ગેરરીતિ માટે જ કરવામાં આવે છે. પણ ભુજથી રાજકોટ સુધી ઢાંક પીછોડો કરવામાં આવે છે.
Read Original Article →