ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ના. સરોવર બસ સ્ટેશનમાં મુસાફરો તડકામાં શેકાયા

Gujarat4/13/2026, 1:51:30 AM
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ના. સરોવર બસ સ્ટેશનમાં મુસાફરો તડકામાં શેકાયા
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના છેવાડે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર ખાતે દર્શનાર્થે આવતા યાત્રિકો અને સ્થાનિક લોકો માટે એસટી તંત્રની સુવિધાઓ હજુ પણ કાગળ પર જ મર્યાદિત હોય તેવો ઘાટ સર્જાયો છે. ગત માર્ચ 2025માં યાત્રિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી નવું એસટી બસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ નવા બસ સ્ટેશનના નિર્માણને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, અહીં આવતા પ્રવાસીઓને પડતી અસુવિધાઓ હજુ પણ યથાવત નજરે પડી રહી છે. બસ સ્ટેશનનું બાંધકામ ભલે સારું થયું હોય, પરંતુ તેની ખામીયુક્ત ડિઝાઇન લોકો માટે માથાના દુખાવા સમાન બની છે. સ્થાનિક લોકો અને યાત્રિકોની ફરિયાદ મુજબ, આ નવા બસ સ્ટેશનનો શેડ ખૂબ જ ઊંચો બનાવવામાં આવ્યો છે. પરિણામે, બપોરના સમયે સૂર્યનો આકરો તડકો સીધો બસ સ્ટેશનની અંદર અને મુસાફરો માટે મૂકવામાં આવેલા બાંકડાઓ પર પડે છે. હાલમાં કાળઝાળ ગરમી ચાલી રહી છે, ત્યારે બપોર બાદ પેસેન્જરો આ બાંકડા પર બેસી શકતા નથી. છાંયડાના અભાવે આકરા તાપમાં શેકાવાને બદલે લોકોને ન છૂટકે જ્યાં છાંયો જોવા મળે ત્યાં આશરો લેવાનો વારો આવે છે. માત્ર ગરમી જ નહીં, પરંતુ ખરાબ હવામાન અને વરસાદના સમયે પણ આ ઊંચા શેડના કારણે વરસાદની વાછટ સીધી અંદર આવતા યાત્રિકો બસ સ્ટેશનમાં બેસી શકે તેવી પરિસ્થિતિ રહેતી નથી. આ સમસ્યાના હલ રૂપે લોકો જણાવી રહ્યા છે કે, જો બસ સ્ટેશનની પાછળની ખાલી જગ્યામાં નવા બાંકડા બનાવી દેવામાં આવે, તો યાત્રિકો ત્યાં પડતા છાંયામાં આરામથી બેસી શકે. નવું સ્ટેશન દુર હોવાથી વૃદ્ધો અને મહિલાઓને નવા બસ સ્ટેશન સુધી ચાલવાની મજબૂરી નારાયણ સરોવરમાં આખો દિવસ દરમિયાન આશરે 20 જેટલી એસટી બસોની આવન-જાવન રહે છે. નવું બસ સ્ટેશન બન્યું ત્યારથી સ્થાનિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે તમામ એસટી બસો પેસેન્જરોને લેવા માટે ગામની અંદર આવેલા જૂના બસ સ્ટેશન સુધી આવે. નવું બસ સ્ટેશન ગામની બહાર અને થોડું દૂર હોવાથી મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોને ત્યાં સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે પણ વાસ્તવિકતા એ છે કે મોટાભાગની એસટી બસો નવા બસ સ્ટેશનથી જ પેસેન્જરો લઈને રવાના થઈ જાય છે. માત્ર ગણતરીની બસો જ જૂના બસ સ્ટેશન સુધી આવે છે. આ કારણે અશક્ત અને વૃદ્ધ લોકોને ન છૂટકે દૂર સુધી ચાલવું પડે છે. ત્યારે એસટી વિભાગ વહેલી તકે તમામ બસો જૂના બસ સ્ટેશન સુધી આવે તેવી વ્યવસ્થા ગોઠવે તેવી લોકમાંગ ઉઠી છે.
Read Original Article →