બદલી અને બઢતીના આદેશો જારી:ભુજ, રાપર અને અબડાસામાં નવા જમીન દફતર નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી

Gujarat6/8/2026, 12:43:19 AM
તાજેતરમાં સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની વધુ 6 જગ્યાઓ મંજૂર કરી હતી. જેમાં મુન્દ્રા, માંડવી, નલિયા, દયાપર, ભચાઉ અને રાપર ખાતે નવી જગ્યાઓ ઉભી કરાઈ હતી. હવે તે જગ્યાઓ પર નિરીક્ષકોની નિમણુંકો કરાઈ છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન દફતર ખાતાના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળ ફરજ બજાવતા વર્ગ-2 ના અધિકારીઓની વ્યાપક સ્તરે બદલી, બઢતી અને વધારાના હવાલા સોંપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવા વહીવટી આદેશો અનુસાર, નખત્રાણા ખાતે જમીન દફતર નિરીક્ષક તરીકે ફરજ બજાવતા એચ.વી. બ્રહ્મભટ્ટને તેમના મૂળ સ્થાને યથાવત રાખીને આગામી હુકમ ન થાય ત્યાં સુધી સરહદી લખપત-દયાપર વિસ્તારનો વધારાનો હવાલો અપાયો છે. જ્યારે અગાઉ ભુજ શહેરના જમીન દફતર નિરીક્ષક તરીકે કાર્યરત કે.વી. દોશીની બદલી કરીને તેમને મુન્દ્રા ખાતે મૂકવામાં આવ્યા છે અને તેમની સાથે જ તેમને માંડવી વિસ્તારનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. ભુજ શહેરની આ ખાલી પડેલી જગ્યા પર હવે કપડવંજથી બદલી થઈને આવી રહેલા ડી.એસ. પટેલ નવા જમીન દફતર નિરીક્ષક તરીકે પદભાર સંભાળશે. અંજાર ખાતે ફરજ બજાવતા જમીન દફતર નિરીક્ષક વી.કે. પટેલની બદલી ભચાઉ ખાતે કરવામાં આવી છે, અને તેમની સાથે જ તેમને રાપર તાલુકાનો પણ વધારાનો હવાલો સુપ્રત કરાયો છે. જ્યારે અંજારની ખાલી પડેલી જગ્યા પર બોટાદથી બદલી કરીને જયરાજસિંહ પરમારને મૂકવામાં આવ્યા છે, જેઓ અંજારની સાથે ગાંધીધામનો વધારાનો કાર્યભાર સંભાળશે. આ ઉપરાંત, વિભાગીય પ્રમોશન અન્વયે સાબરકાંઠાના સિનીયર સરવેયર નરેશભાઈ પી. પટેલને વર્ગ-૨ માં બઢતી આપીને નલિયા ખાતે જમીન દફતર નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જમીનના વિવાદો અને માપણીની કામગીરી ઝડપી બનશે કચ્છ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની નવી 6 જગ્યાઓ પર નિમણૂક થવાથી સરહદી જિલ્લાના ખેડૂતો અને જમીનધારકોને મોટી રાહત મળશે. ભૌગોલિક દ્રષ્ટિએ દેશના સૌથી મોટા જિલ્લામાં અપૂરતા સ્ટાફને કારણે જમીન માપણી, સીમાડાના વિવાદો, હક્ક પત્રક અને નકશા સુધારણાની હજારો અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ રહેતી હતી. હવે આ નવી નિમણૂકો થવાથી સરકારી કચેરીઓમાં ફાઈલોનો ઝડપી નિકાલ થશે અને ખેડૂતોને પોતાના જમીન સંબંધી કામો માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે. વહીવટી પારદર્શિતા વધવાની સાથે જમીનની સચોટ માપણી સમયસર થતાં ગ્રામ્ય વિસ્તારોમાં થતા સીમા વિવાદો અને કોર્ટ કચેરીના ચક્કરમાં મોટો ઘટાડો નોંધાશે.
Read Original Article →