આધાર અપડેટ માટે મેરેજ સર્ટિફિકેટ નડતરરૂપ:આધાર કાર્ડ માટે મામલતદાર માંગે ફોટોવાળું મેરેજ સર્ટિ., નગરપાલિકા કહે નિયમ નથી !
ભુજમાં આધાર કાર્ડમાં નામ, સરનામું કે લગ્ન બાદની વિગતો અપડેટ કરાવવા જતા દંપતિઓ માટે મેરેજ સર્ટિફિકેટ હવે માથાનો દુખાવો બની ગયું છે. મામલતદાર કચેરી દ્વારા આધાર અપડેટ માટે એવા લગ્ન નોંધણી પ્રમાણપત્રની માંગણી કરવામાં આવે છે જેમાં વર-વધૂના ફોટોગ્રાફ સાથે સહી અને સિક્કા પણ દર્શાવેલા હોય. પરંતુ ભુજ નગરપાલિકા આવા પ્રકારનું સર્ટિફિકેટ આપતી ન હોવાથી અરજદારો વચ્ચે ભારે ગૂંચવણ ઉભી થઈ છે. મામલતદાર તેજસ પટેલના જણાવ્યા મુજબ ફોટોગ્રાફ વગરના મેરેજ સર્ટિફિકેટ અપલોડ કરવાથી આધાર અપડેટ રિજેક્ટ થવાની સંભાવના વધી જાય છે. જોકે દરેક કેસમાં રિજેક્ટ થાય જ એવું જરૂરી નથી, પરંતુ ટેકનિકલ ચકાસણીમાં મુશ્કેલી ઉભી થતી હોવાનું તેઓ માને છે. બીજી તરફ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીનું કહેવું છે કે, જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ વર વધુના ફોટોગ્રાફ સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર બનાવવાની કોઈ જોગવાઈ નથી, તેથી નગરપાલિકા હાલના ફોર્મેટ મુજબ જ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. રસપ્રદ બાબત એ છે કે અન્ય કેટલીક નગરપાલિકાઓમાં ફોટોગ્રાફ સાથેના લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવતાં હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યારે ભુજમાં આવું ન થતાં લોકોને આધાર કાર્ડની પ્રક્રિયામાં અટવાઈ જવું પડે છે. ભુજ નગરપાલિકાની દસ્તાવેજ યાદી મુજબ લગ્ન નોંધણી માટે વર-વધૂના આધાર પુરાવા, રહેઠાણના દાખલા, સાક્ષીઓના ઓળખપત્ર, ફોટા, એફિડેવિટ અને કોર્ટ ફી સહિતના દસ્તાવેજ ફરજિયાત રાખવામાં આવ્યા છે. તેમ છતાં અંતિમ સર્ટિફિકેટના ફોર્મેટ અંગે સ્પષ્ટતા ન હોવાથી સામાન્ય નાગરિકો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જ્યારે અન્યત્ર ફોટોગ્રાફ સાથેના પ્રમાણપત્ર મળી શકે છે, ત્યારે ભુજમાં કેમ નહીં? સીઓ કહે છે જિલ્લા પંચાયતના પરિપત્ર મુજબ આવું સર્ટિફિકેટ શક્ય નથી
Read Original Article →