રજૂઆત:રમત-ગમત સંકુલને ‘મલ્ટી-સ્પોર્ટસ ઈન્ટિગ્રેટેડ હબ’ બનાવો

Gujarat4/5/2026, 12:00:00 AM
રજૂઆત:રમત-ગમત સંકુલને ‘મલ્ટી-સ્પોર્ટસ ઈન્ટિગ્રેટેડ હબ’ બનાવો
કચ્છ જેવા સંભાવનાઓથી ભરેલા જિલ્લાના યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કમર કસી છે. ગાંધીધામ ખાતે આવેલા 25 એકરના વિશાળ રમતગમત સંકુલને આધુનિક બનાવી તેને ‘મલ્ટી-સ્પોર્ટસ હબ’ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગાંધીધામનું વર્તમાન સ્પોર્ટ્સ સંકુલ વિશાળ હોવા છતાં આધુનિક સુવિધાઓના અભાવે તેની પૂર્ણ ક્ષમતા મુજબ ઉપયોગમાં લઈ શકાતું નથી. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, જો અહીં પ્રોફેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તો કચ્છના યુવાનો ‘ખેલો ઇન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’ જેવા અભિયાનોમાં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી શકે તેમ છે. આ પ્રોજેક્ટથી માત્ર રમતગમત જ નહીં, પણ રોજગાર અને પ્રવાસન ક્ષેત્રે પણ નવી તકો ઉભી થશે. ચેમ્બરે ખેલાડીઓ માટે આધુનિક વિશ્લેષણ અને ટ્રેનિંગની સુવિધા,અદ્યતન લાઇટિંગ સિસ્ટમ, ઇન્ડોર ગેમ્સ કોર્ટ અને પ્રોફેશનલ જિમ્નેશિયમ,આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ દ્વારા ખેલાડીઓને માર્ગદર્શન,ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ અને સ્કેટિંગ ટ્રેકની સુવિધા વિકસાવવા માંગ કરી છે. ગાંધીધામના યુવા વિકેટકીપર-બેટ્સમેન હરવંશ પન્ગાલીયાએ અં.-19 વિશ્વકપ અને એશિયા કપમાં સ્થાન મેળવીને સાબિત કર્યું છે કે કચ્છમાં પ્રતિભાની કમી નથી. આ સિવાય ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને જુડો-કરાટેમાં પણ અહીંના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ચમક્યા છે.આ અભિયાનમાં જોડાયેલા શરદ શેટ્ટી અને પ્રશાંત કેલાના મતે, ગાંધીધામમાં જો આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધા મળે તો અહીં મોટા ટૂર્નામેન્ટ્સ અને ટેલેન્ટ હન્ટ કેમ્પ યોજી શકાય, જે સીધો ફાયદો સ્થાનિક ખેલાડીઓને કરાવશે. ઔદ્યોગિક રીતે સમૃદ્ધ કચ્છ હવે સ્પોર્ટ્સ મેપ પર મજબૂત રીતે ઉભરે તે દિશામાં આ પગલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ- આદિપુર સંકુલમાં રમત-ગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણવામાં આવતું રમત-ગમત સંકુલનો વિકાસ થાય તો ગાંધીધામના ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળી શકે તેમ છે. કોને કોને રજૂઆત કરવામાં આવી? ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું કે, આ અંગે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને જયરામભાઈ ગામીતને દરખાસ્ત મોકલવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટી અને ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરનાનીને પણ આ આયોજનમાં સહભાગી થવા અપીલ કરાઈ છે.
Read Original Article →