સમસ્યા:નલિયામાં ડીઝલ માટે વાહનોની હાઇવે સુધી લાંબી કતારો લાગી

Gujarat5/13/2026, 12:00:00 AM
સમસ્યા:નલિયામાં ડીઝલ માટે વાહનોની હાઇવે સુધી લાંબી કતારો લાગી
નલિયા ખાતે ડીઝલ મેળવવા માટે વાહનચાલકોની હાઇવે સુધી લાંબી લાઈનો લાગી હોવાના દ્રશ્યો સર્જાયા છે. નલિયામાં કુલ 3 પેટ્રોલ પંપ આવેલા છે, પરંતુ તેમાંથી માત્ર એક ‘શિવ પેટ્રોલ પંપ’ પર જ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ત્યાં વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. એક જ પંપ પર ટ્રેક્ટર, કાર, ટ્રક અને અન્ય વાહનોનો જમાવડો થતાં પંપની આસપાસ હાઇવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પંપ પર ડીઝલ ઉપલબ્ધ હોવા છતાં વાહનચાલકો અને ખેડૂતોને લિમિટેડ (મર્યાદિત) માત્રામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતા તેઓએ રોજેરોજ પંપ સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે. રોજ ધક્કા ખાવા ખેડૂતોની વ્યથા ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે જ ડીઝલની આ હાલાકીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પંપ પર ડીઝલ લેવા આવતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતું નથી. ભદ્રાવાંઢ (વાડા) ના ખેડૂત ભાભાભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે ખેડૂતો બાઈક પર 50 લિટરના કેન લઈને આવીએ છીએ, છતાં અમને માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ અપાય છે. અગાઉની જેમ 200 લિટરના બેરલ ભરી આપવામાં આવતા નથી. 20-20 લિટરના બે કેન લઈને આવીએ તો પણ માત્ર બે હજારનું જ ડીઝલ મળે છે. હાલમાં અમારે ખેતર ખેડવાની સીઝન ચાલી રહી છે, જો આ મહત્વના સમયે જ અમને પૂરતું ડીઝલ નહીં મળે તો અમે ખેતરો કઈ રીતે ખેડીશું?”
Read Original Article →