રાજદ્વારી મંત્રણાઓ વચ્ચે સ્થાનિક કળાનું સમન્વય દેખાયું:વૈશ્વિક મંચ પર ઝળકી કચ્છની શાન: PM મોદીએ UAE ના રાષ્ટ્રપતિને ભેટ કરી ‘રોગાન કલા’

Gujarat5/22/2026, 12:00:00 AM
રાજદ્વારી મંત્રણાઓ વચ્ચે સ્થાનિક કળાનું સમન્વય દેખાયું:વૈશ્વિક મંચ પર ઝળકી કચ્છની શાન: PM મોદીએ UAE ના રાષ્ટ્રપતિને ભેટ કરી ‘રોગાન કલા’
ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વ્યાપારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ UAE ની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. રાજદ્વારી મંત્રણાઓ ઉપરાંત આ મુલાકાત સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે પણ વિશેષ બની રહી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને કચ્છની વિશ્વ વિખ્યાત અને અતિ પ્રાચીન ‘રોગાન કલા’ ભેટમાં આપી હતી. આ ભેટના માધ્યમથી વૈશ્વિક મંચ પર ભારતના અને ખાસ કરીને કચ્છના સમૃદ્ધ હસ્તકલા વારસાનું અત્યંત સુંદર અને પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવ્યું છે. અગાઉ PMએ અન્ય રાષ્ટ્રપ્રમુખોને ભેટ આપી અમેરિકાના રાષ્ટ્રપતિ- વર્ષ 2014 : પીએમએ વર્ષ 2014 માં અમેરિકાની મુલાકાત વખતે ત્યાંના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ‘ટ્રી ઓફ લાઈફ’ની બારીક ડિઝાઇનવાળું પ્રખ્યાત રોગન આર્ટ પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું. જાપાનના વડાપ્રધાન - વર્ષ 2022 : મે 2022માં ટોક્યો ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ક્વાડ સમિટ દરમિયાન જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને લાકડાના ખાસ હાથ બનાવટના બોક્સ પર બનાવેલી રોગન કલાની આકર્ષક કૃતિ ભેટમાં આપવામાં આવી હતી. ડેનમાર્કનાં મહારાણી - વર્ષ 2022 : પીએમ મોદીએ તેમની યુરોપ મુલાકાત દરમિયાન ડેનમાર્કનાં મહારાણી માર્ગ્રેથ દ્વિતીયને પણ કચ્છની આ સુંદર રોગન કલા ભેટ સ્વરૂપે આપીને ભારતીય કળાનું સન્માન વધાર્યું હતું. રોગાન કળામાં મશીન કે પ્રી-ડિઝાઈન સ્કેચનો ઉપયોગ થતો નથી કચ્છના હસ્તકલા વારસાનું અમૂલ્ય ઘરેણું મનાતી આ રોગન કલા સદીઓ જૂની છે, જે આજે પણ કચ્છના નિરોણા ગામના ખત્રી પરિવાર દ્વારા બખૂબી સાચવી રાખવામાં આવી છે. ફારસી ભાષામાં ‘રોગાન’ નો અર્થ તેલ થાય છે. આ કળા અત્યંત જટિલ અને મહેનત માંગી લે તેવી છે. જેમાં એરંડાના તેલને (દિવેલ) ખાસ તાપમાને ગરમ કરીને તેમાં કુદરતી રંગો ભેળવીને જાડી પેસ્ટ બનાવાય છે. ત્યારબાદ ધાતુ કે લાકડાની સળી વડે કાપડ પર અત્યંત ઝીણવટભરી ભાત ઉપસાવાય છે. આ કળામાં કોઈ પણ પ્રકારના મશીન કે પ્રી-ડિઝાઈન સ્કેચનો ઉપયોગ થતો નથી, તે સંપૂર્ણપણે કલાકારની કલ્પનાશક્તિ અને હાથની કુશળતા પર આધારિત છે.
Read Original Article →