ગ્રામજનો સાથે સંવાદ કરી સ્થાનિક અને સુરક્ષાના મુદ્દાઓની ચર્ચા કરાશે:સરહદ પર ‘સુપર કોપ્સ’ : રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ 11 અને 12 જૂને કચ્છના સરહદી ગામોમાં લોકો સાથે કરશે સંવાદ

Gujarat6/8/2026, 12:55:27 AM
રાજ્યમાં નવા પોલીસ વડા તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકની નિમણૂક થયાના બીજા જ દિવસે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 11 અને 12 જૂને રાજ્યના 8 વરિષ્ઠ IPS અધિકારીઓ પાકિસ્તાન સરહદને સ્પર્શતા કચ્છ, પાટણ અને વાવ-થરાદ વિસ્તારના 16 સરહદી ગામોની મુલાકાતે આવી રહ્યા છે. ખાસ બાબત એ છે કે તમામ અધિકારીઓ સ્થાનિક ગ્રામજનોના ઘરે જ રાત્રિ રોકાણ કરશે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છના 10 ગામોનો સમાવેશ કરાયો છે. પશ્ચિમ કચ્છમાં DIGP કે.એન. ડામોર ભુજ તાલુકાના જુણા અને દેઢીયા, DIGP ડો. લીના પાટીલ ઉધમો અને પટાગર, ACP આર.ટી. સુસરા લખપત તાલુકાના પુનરાજપુર અને ગુનાઉ તેમજ DIGP સુધા એસ. પાંડે ભુજ તાલુકાના દીનારા અને ભીટારા મોટા ગામોમાં જઈ રાત્રિ રોકાણ કરશે. જ્યારે ADGP અજયકુમાર ચૌધરી વાગડ વિસ્તારમાં શિરાનીવાંઢ અને જાટાવાડા ગામની મુલાકાત લેવાના છે. ADGP વાબંગ જમીર વાવ-થરાદના આસરગામ અને રાછેણા, IGP બિપિન આહિરે પાટણના ધોકવાડા અને ચારણકા, DIGP એ.એમ. મુનિયા વાવ-થરાદના રાડોસણ અને ગોલપ ગામોની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન અધિકારીઓ સરહદી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા, સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસણી, દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનો સાથે સંવાદ, ગ્રામજનો સાથે લોકસંવાદ અને રાત્રિસભા યોજશે. ઉપરાંત બોર્ડર પેટ્રોલિંગ અને સ્થાનિક સ્તરે સુરક્ષા સંબંધિત પડકારોની પણ સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવા DGP જી.એસ. મલિકનો સરહદી સુરક્ષા અને ખાસ કરીને કચ્છ સાથેનો સંબંધ અત્યંત ગાઢ રહ્યો છે. તેઓ અગાઉ બીએસએફના ગુજરાત ફ્રન્ટિયર ખાતે IG તરીકે તેમજ કચ્છમાં એએસપી, એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 6 મહિના અગાઉ પણ અધિકારીઓ સરહદી ગામોમાં રોકાયા હતા નવેમ્બર 2025માં પણ રાજ્ય સરકાર દ્વારા 30 વરિષ્ઠ IPS અધિકારીઓને કચ્છના સરહદી ગામોમાં રાત્રિ રોકાણ માટે મોકલવામાં આવ્યા હતા ત્યારે વિવિધ ગામોમાં મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. હવે નવા DGP જી.એસ. મલિકની નિમણૂક બાદ ફરીથી સરહદી ગામોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલવાનો નિર્ણય લેવાયો છે. જેથી રાજ્ય સરકારનો સરહદી સુરક્ષા અને બોર્ડર વિસ્તારના વિકાસ પર વિશેષ ભાર હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
Read Original Article →