શહીદોને શ્રદ્ધાજંલિ અપાઇ:શૌર્ય દિવસની ગાથામાંથી શીખ : ‘હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારીએ’

Gujarat4/10/2026, 1:28:18 AM
શહીદોને શ્રદ્ધાજંલિ અપાઇ:શૌર્ય દિવસની ગાથામાંથી શીખ : ‘હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારીએ’
દર વર્ષે 9 એપ્રિલે શૌર્ય દિવસના ભાગરૂપે સીઆરપીએફ કચ્છની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેના ભાગરૂપે ગુરુવારે પણ શહીદોના બલિદાનને યાદ કરતાં શૌર્ય દિવસ કાર્યક્રમ યોજાયો હતો. ઉજવણી દરમિયાન બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરાઈ હતી. વર્ષ 1965માં પાકિસ્તાનના ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. પરાક્રમની ગાથાને યાદ કરતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, એ સમયે જવાનોએ 3 હજારથી વધારે દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી. સાથે જ નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું કે, શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ. જવાનોની બહાદુરી અને ભારત દેશની એક ઈંચ પણ જમીન નહીં આપવા દ્ઢ નિશ્ચય સામે દુશ્મનની ફૌજની હાર થઈ હતી. ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્ર સિંહ વિસેનએ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. સાથે જ શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ બદલ બીએસએફનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુદ્ધમાં પાકિસ્તાનની 3 હજારથી વધારે સૈનિક ધરાવતી બ્રિગેડે હુમલો કર્યો હતો. ત્યારે સીઆરપીએફના જવાનો માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટની ફરજ પાડી હતી. વળતા પ્રહારથી પાકના 34 સૈનિકો માર્યા ગયા અને 4 જીવતા પકડાયા હતા. દુશ્મનની સાથે લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા. કાર્યક્રમમાં બીએસએફ 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ,સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટ અભિજીત કાલે અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશ ચંદ્ર ચંદેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →