સિટી એન્કર:બીએસએફ, પોલીસ, પાલિકા, કોર્ટ અને શિક્ષણ સહિતના 56 સરકારી વિભાગોને જમીન ફાળવણીના હુકમો એનાયત કરાયા

Gujarat5/13/2026, 12:00:00 AM
સિટી એન્કર:બીએસએફ, પોલીસ, પાલિકા, કોર્ટ અને શિક્ષણ સહિતના 56 સરકારી વિભાગોને જમીન ફાળવણીના હુકમો એનાયત કરાયા
કચ્છમાં જમીન ફાળવણીની પ્રક્રિયામાં અટવાયેલી રહેતી હોય છે. પરંતુ વર્તમાન કલેક્ટર આનંદ પટેલે આ વહીવટી વિલંબને દૂર કરી ‘ગુડ ગવર્નન્સ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર એક માસના ટૂંકા ગાળામાં તમામ મહેસુલી પ્રક્રિયાઓ પૂર્ણ કરી, વિવિધ 56 સરકારી વિભાગોને જમીન ફાળવણીના હુકમો અને ઇન્ટીમેશન પત્રો એનાયત કર્યા છે. ઝુંબેશના ભાગરૂપે એક જ માસમાં તમામ પ્રક્રિયા આટોપીને સરકારના વિવિધ વિભાગના વડાઓને 56 જમીન ફાળવણીના હુકમ તથા ઇન્ટીમેશન પત્ર વિતરણ હેઠળ કુલ 26,72,498 ચો.મી જમીનની ફાળવણી કરાઇ હતી. આ પ્રસંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ સતત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સરકારના વિભાગ તથા અન્ય સંસ્થાઓ કે જેઓને લોકસેવાના કામ માટે જમીનની જરૂરીયાત છે તે પૂર્ણ કરાય તે જરૂરી છે. જેથી વિભાગો પોતાની કામગીરી વધુ સુગમતા અને સુવિધા સાથે કરી શકે તેમજ નાગરિકોને પણ સુવિધા પ્રાપ્ત થાય. આ જ હેતુને પૂર્ણ કરવા જેટલી પણ સરકારી કચેરીઓ દ્વારા જમીન ફાળવણીની માંગણીઓ હતી તેને પ્રાથમિકતા આપીને એક માસના ટુંકા ગાળામાં તમામ મહેસુલી પ્રક્રિયા પૂર્ણ કરીને હુકમો કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણે જણાવ્યું હતું કે, કચ્છમાં વિકાસની પ્રક્રિયા વચ્ચે સરકારી કચેરીઓની જમીનની જરૂરીયાત સંતોષતા હવે વિકાસની પ્રવૃત્તિ વધુ ઉન્નત બનશે. વિવિધ વિભાગોને જમીન ફાળવાતા જિલ્લાભરમાં આવાસ, કચેરી, કોલેજ, શાળાના મકાન-મેદાન, પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પાણી પુરવઠા યોજના, બી.ઓ.પી લીંક રોડ, આઉટ પોસ્ટ, સબ સ્ટેશન સહિત અનેક સુવિધા ઉપલબ્ધ બનશે. વહીવટી તંત્રના આ વિભાગોને મળી સરકારી જમીન સરકારી જમીન ફાળવણીના હુકમ તથા ઇન્ટીમેશન પત્ર વિતરણ કરાયા તેમાં મુખ્યત્વે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ભુજ, પૂર્વ કચ્છ પોલીસ વિભાગ, જિલ્લા આયુર્વેદ વિભાગ, સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, માર્ગ-મકાન(રાજ્ય), ક્ષાર અંકુશ વિભાગ, નિયામક ન્યાય સહાયક વિજ્ઞાન, નખત્રાણા-મુંદરા-માંડવી તથા ભચાઉ નગર પાલિકા, બી.એસ.એફ(102,59,157)મી બટાલિયન, બી.એસ.એફ વોટર વિંગ, બી.એસ.એફ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જળ સંપત્તિ સંશોધન વિભાગ, ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી.અંજાર સહિતના વિભાગનો સમાવેશ થાય છે.
Read Original Article →