રજૂઆત:‘કચ્છ ક્રિકેટ એસો.નો બિન અધિકૃત લોકો દ્વારા વહીવટ થઈ રહ્યો છે’
કચ્છ ક્રિકેટ એસોસિયેશન ભુજ દ્વારા સંસ્થાના બંધારણ મુજબના નિયમો પાળવામાં આવતા નથી અને તેનો વહીવટ બિન અધિકૃત લોકો દ્વારા થઇ રહ્યો છે તેવા આક્ષેપ સાથે નાયબ ચેરીટી કમિશનર સમક્ષ કરાયેલી રજૂઆતમાં સમગ્ર મામલે તપાસની માગ કરાઇ છે. આ બાબતે પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું કે, હાલમાં ટ્રસ્ટનું રેકર્ડ તપાસતાં જે ટ્રસ્ટીઓના નામ જાહેર થયેલા છે તેમાંથી અમુકના મૃત્યુ થયા છે. આથી તેની જાણ નાયબ ચેરીટી કમિશનરની કચેરીને 90 દિવસમાં કરવાની ટ્રસ્ટીઓની ફરજમાં છે, જે બજાવાઇ નથી. છેલ્લો ફેરફાર રીપોર્ટ 1992ના રજુ કરવામાં આવ્યો છે. સંસ્થાના બંધારણ મુજબ એસો.ની વાર્ષિક સામાન્ય સભામાં કાર્યવાહક સમિતિના સભ્યોની એક વર્ષ માટે ચૂંટણી કરવાની હોય છે, આ સમિતિની મીટીંગ દર ત્રણ મહિનામાં એક વખત ઓછામાં ઓછી બોલાવાની રહેશે. ઘણા ટ્રસ્ટી અવસાન પામેલા છે. તેમ છતાં PTR મુજબ તેમના નામો કમી કરાવાયા નથી. ટ્રસ્ટના હિસાબો પણ નિયમિત થતા નથી. સંસ્થાના મંત્રી અતુલ મહેતાનું નામ PTRમાં નથી તથા તે સંબંધે કોઈ ફેરફાર રીપોર્ટ ભરાયેલો નથી. આવા સંજોગોમાં BPT ACT ની કલમ 66 તથા 67 મુજબ સજા પાત્ર ગુન્હો છે. લાંબા સમયથી ચર્ચાએ જોર પકડયું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સદરહુ સંસ્થા એફીલેટડ છે પરંતુ તેનો લાભ ભુજને મળતો નથી. આવા સંજોગોમાં સદરહુ ટ્રસ્ટ સંબંધે તાત્કાલિક તપાસ કરી દંડાત્મક કાર્યવાહી કરાય તેવી માગ ધારાશાસ્ત્રી અવનિશ જે. ઠક્કરે કરી હતી.
Read Original Article →