ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની ભૂમિકા:કચ્છ : અનોખી સંસ્કૃતિ, પર્યાવરણ અને જૈવવિવિધતાનો સંગમ!

Gujarat5/22/2026, 12:00:00 AM
ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની ભૂમિકા:કચ્છ : અનોખી સંસ્કૃતિ, પર્યાવરણ અને જૈવવિવિધતાનો સંગમ!
કચ્છ જિલ્લો તેની અનન્ય પર્યાવરણીય વિશેષતાઓ, સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધ જૈવવિવિધતા માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે. કચ્છનો વિશાળ વિસ્તાર યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, જે અહીંના વૈવિધ્યસભર પર્યાવરણ અને કુદરતી સંપદાનું પ્રતિબિંબ આપે છે. 29 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરાયેલ કચ્છ જિલ્લાના લખપતના ગુનેરી ગામ ખાતે આવેલ ‘ઇનલેન્ડ મેન્ગૃવ ઇકોસિસ્ટમ’ વૈશ્વિક સ્તરે અતિ દુર્લભ પરિસ્થિતિઓમાં જોવા મળતા મેન્ગૃવ પરિતંત્રોમાંનું એક છે. વિશ્વમાં ગણતરીની જગ્યાઓ પર જ જોવા મળતા આવા ઇનલેન્ડ મેન્ગૃવમાંથી એક ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ હોવું રાજ્ય માટે ગૌરવ સમાન છે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા શુક્રવારે કચ્છ જિલ્લામાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-2026’ની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે નાગરિકોની સહભાગિતાથી જૈવવિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન જૈવવિવિધતા સંરક્ષણ અંગે વિશેષ વ્યાખ્યાન, પ્રદર્શન, વૃક્ષારોપણ, જાગૃતિ પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ-BMCના સભ્યો સાથે સંવાદ યોજાશે. કાર્યક્રમમાં વિવિધ ગ્રામ્ય જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, પરંપરાગત જ્ઞાન ધરાવતા વૈદ્યો અને સ્થાનિક નાગરિકો ભાગ લેશે. ‘સ્થાનિક સ્તરે કાર્ય - વૈશ્વિક સ્તરે પ્રભાવ’ : થીમ 2026 આ વર્ષ 2026ની થીમ ‘સ્થાનિક સ્તરે કાર્ય-વૈશ્વિક સ્તરે પ્રભાવ’ સંદેશ આપે છે કે જૈવવિવિધતાનું સંરક્ષણ માત્ર સરકારો અથવા વૈશ્વિક સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ સ્થાનિક સ્તરે કરવામાં આવતા નાના પ્રયાસો પણ સમગ્ર વિશ્વ પર સકારાત્મક અસર કરી શકે છે. પાણી, જંગલો, જમીન, વન્યજીવો અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ કરીને જ ભવિષ્યની પેઢીઓ માટે સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણનું નિર્માણ શક્ય બનશે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની ભૂમિકા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા જૈવવિવિધતા અધિનિયમ,2002ની જોગવાઈઓ મુજબ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ ખાતે જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ-BMCની રચના કરાય છે. આ સમિતિઓ દ્વારા પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર-PBR તૈયાર કરાય છે, જેમાં સ્થાનિક જૈવવિવિધતા અને કુદરતી સંસાધનોનું દસ્તાવેજીકરણ કરાય છે. બોર્ડ દ્વારા વર્ષ 2025માં કચ્છ જિલ્લાના ગુનેરી ખાતે આવેલ ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ BHS તરીકે જાહેર કરવામાં આવી હતી. નોલેજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ શું છે ? જૈવવિવિધતા સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક વર્ષ 1992માં બ્રાઝીલના રિઓ ડી જેનેરો ખાતે યોજાયેલી “અર્થ સમિટ” દરમિયાન “કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD” અસ્તિત્વમાં આવ્યું. જે 29 ડીસેમ્બર, 1993થી અમલમાં આવ્યું છે. ભારત સહિત આજે 190 થી વધુ દેશોએ આ કરાર સ્વીકાર્યો છે. CBDના ત્રણ મુખ્ય લક્ષ્યો છે: જૈવવિધતાનું સંરક્ષણ કરવું, તેના ઘટકોનો ટકાઉ ઉપયોગ કરવો અને ઉત્પન્ન લાભોની વ્યાજબી અને સમાન વહેંચણી કરવી. જેથી યુએન જનરલ અસેમ્બ્લીએ 22 મે ને આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ઘોષિત કર્યો, જે 22 મે 1992ના રોજ નૈરોબી ફાઈનલ એક્ટ દ્વારા જૈવિક વિવિધતા ટેક્સ્ટની યાદમાં છે. આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ 22 મેના રોજ ઉજવવામાં આવે છે.
Read Original Article →