સોશિયલ મીડિયા સ્ટાર:ખડીરની દીકરીનો કચ્છની સંસ્કૃતિને વિશ્વપટલ પર લાવવાનો પ્રયાસ, 4 લાખથી વધુ યૂટ્યૂબ સબ્સ્ક્રાઇબર્સ
છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છના અનેક યુવા કન્ટેન્ટ ક્રિએટરોએ સોશિયલ મીડિયા મારફતે કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. તેમાં હવે ભચાઉ તાલુકાના રતનપર (ખડીર) ગામની પાયલ આહીરનું નામ પણ ઉમેરાયું છે. પાયલ, પોતાના વીડિયો દ્વારા કચ્છની લોકસંસ્કૃતિ, આહીરાત, ગામડાની પરંપરાગત જીવનશૈલી અને જૂના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. કચ્છની સંસ્કૃતિ અને વિવિધ કાર્યશૈલીઓના કારણે યૂટ્યૂબ પર તેમના 4 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 21 હજારથી વધુ વિડીયોમાં કુલ 40 કરોડથી વધુ લોકોએ નિહાળ્યા છે. સાથે જ, ઇન્સ્ટાગ્રામ પર તેમના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. રતનપર (ખડીર)વિસ્તારમાંથી આવતી ક્રિએટર, જે પોતાની સંસ્કૃતિને વિશ્વપટલ પર લાવીને સમગ્ર ગુજરાત સહિત વિશ્વભરમાં કચ્છનું નામ રોશન કરી રહી છે. છેલ્લા 5 વર્ષથી વિવિધ વિષયો પર વિડીયો
છેલ્લા 5 વર્ષથી પાયલ વિવિધ વિડીયો બનાવી રહી છે જેમાં, સેનામાં દેશની સેવા આપતા તથા નિવૃત્ત થઈને વતનમાં પરત ફરતા જવાનોના ઘરે જઈ સન્માન કરવાની તેમની પહેલ લોકોને વધુ સ્પર્શી છે. ઉપરાંત ગૌસેવા, પશુ-પક્ષીઓ પ્રત્યેની સંવેદના અને પ્રકૃતિ સંવર્ધન જેવા મુદ્દાઓને પણ તેઓ પોતાના કન્ટેન્ટમાં ઉમેરે છે. પરંપરાગત ચીજવસ્તુઓ, વડીલોનો આદર, કલાત્મક ધરોહર, પાળિયા અને ઐતિહાસિક સ્મૃતિઓના જતન જેવા વિષયો પર વિડીયો બનાવે છે. સાથે જ, ખેડૂત જીવન, ખેતી, રાસ-ગરબા, મેળાઓ, સામાજિક પ્રસંગો, શિક્ષણ, રસોઈકળા, માતૃત્વ, બાળ ઉછેર અને રાષ્ટ્રપ્રેમ જેવા વિષયો પર સકારાત્મક સંદેશો આપી સમાજમાં વધુ જાગૃતિ લાવાનો પ્રયાસ કરે છે. ‘આપણી સંસ્કૃતિને વધુ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સતત ચાલુ રાખીશ’ : પાયલ આહિર
પાયલ આહીર કહે છેકે, સોશિયલ મીડિયાને માત્ર મનોરંજનના માધ્યમની જગ્યાએ સમાજ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનું શક્તિશાળી માધ્યમ તરીકે માનવું જોઈએ. મને ખુશી છે કે લોકો હું જે બનાવું તે કન્ટેન્ટને પસંદ કરે છે. હું ભવિષ્યમાં પણ આપણી સંસ્કૃતિને આવી જ રીતે લોકો સુધી પહોંચાડતી રહીશ.
Read Original Article →