મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે નિરીક્ષણ:ભુજ-આદિપુર વચ્ચે ડબલ રેલવે ટ્રેક નાખવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો

Gujarat5/24/2026, 12:04:57 AM
મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે નિરીક્ષણ:ભુજ-આદિપુર વચ્ચે ડબલ રેલવે ટ્રેક નાખવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ કચ્છની મુલાકાત દરમ્યાન રેલવેના માળખાકીય વિકાસની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન કચ્છમાં ટ્રેનોની સ્પીડ વધારવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. ભુજથી આદિપુર વચ્ચે ડબલ રેલવે ટ્રેક નાખવા માટેનો ગ્રાઉન્ડ સર્વે સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. ડબલ ટ્રેક થવાથી ભવિષ્યમાં આ રૂટ પર ટ્રેનોની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે.હાલમાં આદિપુર-ગાંધીધામ વચ્ચે ફોર લેન ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. કચ્છમાં વેપાર અને મુસાફરોની સુવિધા માટે રેલવે હાઈટેક મોડમાં કામ કરી રહી હોવાનુ જનરલ મેનેજરે જણાવ્યું હતું. અમદાવાદ ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું કે, ભુજ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી આધુનિક સુવિધા સાથે કરવામાં આવી રહ્યો છે સ્ટેશનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે.આ ઉપરાંત ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પણ સજ્જ થઈ રહ્યા છે. શુક્રવારે ભુજ-દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનનો પણ પ્રારંભ કરાયો હતો. આ નિરીક્ષણ દરમિયાન પશ્ચિમ રેલવે અમદાવાદના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે રેલવેના માળખાકીય વિકાસની સમીક્ષા કરી મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે નિરીક્ષણ, ઉદ્યોગો સાથે બેઠક બે દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે જીએમ રામાશ્રય પાંડેએ ગાંધીધામ-મુન્દ્રા પોર્ટ સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું હતું. મુન્દ્રા પોર્ટ ખાતે તેમણે ખાસ બોટ મારફતે રો-રો ટર્મિનલની મુલાકાત લીધી હતી અને અદાણી પોર્ટ્સના સીઈઓ સુજલ શાહ તેમજ સીઓઓ મનોજ કતર સાથે ટ્રેન કનેક્ટિવિટી વધારવા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી ત્યારબાદ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓ સાથે યોજાયેલી મહત્વની બેઠકમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓએ વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. મહાપ્રબંધકે સ્પષ્ટ કર્યું કે, રેલવેની વિચારસરણી હવે બદલાઈ છે. કચ્છના વેપારને વેગ આપવા માટે રેલવે બોર્ડ સ્તરે તમામ પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવામાં આવશે. ભુજ-નલિયા-વાયોર સેક્શનનું ગ્રાઉન્ડ ઈન્સ્પેક્શન પ્રવાસના બીજા દિવસે શનિવારે મહાપ્રબંધકે ભુજ-નલિયા-વાયોર રેલખંડની મુલાકાત લીધી હતી. તેમણે નલિયા સ્ટેશનની સુવિધા તપાસી હતી અને નલિયા-વાયોર નવી રેલવે લાઈન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરી કામ ઝડપથી પૂરું કરવા આદેશ આપ્યા હતા. ટૂંક સમયમાં આ નવો રેલવે ખંડ કચ્છના ઔદ્યોગિક અને વ્યૂહાત્મક વિકાસમાં મોટો ફાળો આપશે.આ સાથે તેઓએ અહીં આવેલી સિમેન્ટ કંપનીઓની પણ મુલાકાત લીધી હતી. જનરલ મૅનેજર સમક્ષ નવી ટ્રેનોની માંગ કરાઈ માંડવીને રેલવે નેટવર્કથી જોડવું : પ્રવાસન અને વેપારના વિકાસ માટે માંડવી સુધી રેલવે લાઈન લંબાવવાની માંગ. નવી ડાયરેક્ટ ટ્રેનો : ભુજથી સીધી હરિદ્વાર, વારાણસી, ભાગલપુર અને અમૃતસર માટે નવી ટ્રેનો તાત્કાલિક શરૂ કરવી. રેલવે કોચ ફેક્ટરી : કચ્છમાં અગાઉ મંજૂર થયેલી રેલવે કોચ ફેક્ટરીનું કામ જલ્દી શરૂ કરવું. નમો ભારત ટ્રેન : ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારતમાં દૈનિક 2 થી અઢી હજાર પ્રવાસીઓ મુસાફરી કરે છે ત્યારે નમો ભારત ટ્રેનને ડબલ રેક સાથે સામસામે ચલાવવી અને કેટરિંગ સુવિધા શરૂ કરવી. માલવાહક સુવિધા : ડીપી વર્લ્ડ દ્વારા જુન 2027 સુધીમાં સૂચિત મેગા કન્ટેનર ટર્મિનલ અને વધતા માલવાહક ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધારાની રેલવે સુવિધાઓ વિકસાવવી.
Read Original Article →