વરણી:14 માસમાં જ સમાહર્તાએ મહેસૂલ, સુરક્ષા અને લોકહિતના કાર્યો સુપેરે પાર પાડ્યા
ગુજરાત સરકાર દ્વારા બુધવારે રાજ્યના વહીવટી તંત્રમાં વ્યાપક ફેરફારો કરતા 72 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં કચ્છના કલેક્ટર આનંદ પટેલની બઢતી સાથે ગાંધીનગર ખાતે કમિશનર ઓફ સ્કૂલ્સ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ તેમને પીએમ પોષણ યોજના અને GCERT ના નિયામક તરીકેનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. માર્ચ 2025માં કચ્છની કમાન સંભાળનાર આનંદ પટેલને તાજેતરમાં જ સચિવ કક્ષાનું પ્રમોશન મળ્યું હતું. તેમના ટૂંકા પરંતુ અત્યંત અસરકારક કાર્યકાળ દરમિયાન તેમણે મહેસૂલ, સુરક્ષા અને લોકહિતના કાર્યોમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તો સાથે ગાંધીધામના કમિશ્નર મનીષ ગુરવાણીને નવસારીના કલેકટર બનાવામાં આવ્યા છે. તેમના સ્થાને ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બી.ડી.દવેરાની નિયુક્તિ કરવામાં આવી છે. જયારે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર રણાવસિયાને કચ્છ કલેકટર તરીકે નિમણુક આપવામાં આવી છે. અનિલકુમાર રામજીભાઈ રણાવસિયા ભારતીય વહીવટી સેવા એટલે કે IAS ના 2014 બેચના અધિકારી છે અને ગુજરાત કેડરમાં સેવા આપી રહ્યા છે. ‘કચ્છના શિક્ષણ માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ’
ગાંધીનગર ખાતે ‘કમિશનર ઓફ સ્કૂલ્સ’ની મહત્વની જવાબદારી સંભાળવા જઈ રહેલા આનંદ પટેલે કચ્છના શિક્ષણ જગત માટે આશા જન્માવી છે. ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ભલે તેમનું કાર્યક્ષેત્ર હવે ગાંધીનગર હશે, પરંતુ તેમના હૃદયમાં કચ્છ હંમેશા વિશેષ સ્થાન રાખશે. રાજ્યના કમિશનર ઓફ સ્કૂલ્સ તરીકે હવે રાજ્યભરની શાળાઓનું વહીવટી તંત્ર તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે. આ તકે આનંદ પટેલે જણાવ્યું કે, “અત્યાર સુધી મેં કલેક્ટર તરીકે કચ્છના શિક્ષણ માટે બનતા તમામ પ્રયત્નો કર્યા છે. હવે જ્યારે રાજ્ય સ્તરે શિક્ષણ વિભાગની જ જવાબદારી મળી છે, ત્યારે કચ્છના શિક્ષણ સ્તરને વધુ ઉંચુ લાવવા અને અહીંની શૈક્ષણિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપવા હું સતત કાર્યરત રહીશ.’ તળાવો અને રમતગમતના મેદાનો માટે ઐતિહાસિક નિર્ણયો
કચ્છના 10 તાલુકાઓના 281 ગામોમાં આવેલા 910 તળાવોની આશરે 5,671 એકર જમીનને વૈજ્ઞાનિક ઢબે માપણી કરાવી મહેસૂલી રેકોર્ડ પર સત્તાવાર દરજ્જો આપ્યો હતો. જયારે ખેલકુદને પ્રોત્સાહન આપવા માટે ચાલુ માસના પ્રારંભે જ તેમણે યુવા પેઢીને મોબાઈલથી દૂર રાખી મેદાન તરફ વાળવા માટે નવ તાલુકાઓમાં 105 રમતગમતના મેદાનોને સત્તાવાર રીતે નીમ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. કચ્છની 50 વિરાસતોને નવી ઓળખ આપવાનું મિશન હજુ અધૂરું, હવે નવા અધિકારીના શીરે
બદલી થતા, તેમના કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હવે નવા વહીવટકર્તાઓના શિરે રહેશે. ‘દિવ્ય ભાસ્કર’સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, કચ્છના ભવ્ય વારસા અને ઐતિહાસિક વિરાસતોને ઓળખ અપાવવાનું તેમનું એક મહત્વનું કામ અત્યારે અધૂરું રહ્યું છે.વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આવી 50 જેટલી વિશેષ સાઇટ્સ આઈડેન્ટીફાઈ કરવામાં આવી હતી. આ સ્થળોને પ્રવાસન નકશા પર લાવવા અને તેમની જાળવણી સાથે નવી ઓળખ આપવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, આ 50 સાઇટ્સનું કામ અત્યારે અધૂરું છે, પરંતુ હું નવા આવનાર કલેક્ટર સાથે આ બાબતે વિગતવાર ચર્ચા કરીશ. જેથી આ પ્રોજેક્ટ અટકે નહીં અને કચ્છની આ વિરાસતોને યોગ્ય દરજ્જો મળે. સરકારી કચેરીઓને જમીન ફાળવણી
બદલીના આદેશ પૂર્વે જ મંગળવારે કલેક્ટર દ્વારા વિવિધ સરકારી વિભાગોને કુલ 26.72 લાખ ચોરસ મીટર જમીન ફાળવવાના હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવા મહત્વના વિભાગોને તેમની જરૂરિયાત મુજબની જમીન સોંપવામાં આવી છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પ્રશંસા પત્ર અપાયો
સરહદી જિલ્લાની સુરક્ષાત્મક જવાબદારીઓ વચ્ચે આનંદ પટેલે સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ સાથે શ્રેષ્ઠ સંકલન સાધ્યું હતું. ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તેમની સક્રિયતાને જોતા ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ દ્વારા તેમને પ્રશંસા પત્ર એનાયત કરાયો હતો. આ ઉપરાંત, BSF અને એરફોર્સ દ્વારા પણ તેમના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંકલનના કૌશલ્યને બિરદાવવામાં આવ્યું હતું.
Read Original Article →